ફરવાના શોખીનો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં હવે નીતનવી ટુરીઝમ સાઇટ વિકસી રહી છે. જો તમે કચ્છ ફરવા જાઓ છો તો તમારા માટે ફરવાની વધુ એક જગ્યા ખુલી ગઇ છે.
કચ્છમાં રુદ્રમાતા ડેમસાઇટ નજીક રક્ષક વન સાઇટ બનીને તૈયાર થઇ ગઇ છે જેનું ઉદ્ઘાટન ગુરૂપૂર્ણિમાના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા થયું.
અત્યાર સુધી નિર્માણ પામેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી વિશાળ ૯.૪ હેકટરમાં પથરાયેલું આ રક્ષક વન ૧૯૭૧ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભાંગી ગયેલી ભૂજની હવાઇ પટ્ટી માધાપરની બહેનોએ રાતોરાત શ્રમશક્તિથી પુનર્જિવિત કરી માતૃભૂમિનું રક્ષણ કર્યું તેની યાદમાં રક્ષક વન નામ પામ્યું છે.
આ ૯.૫૦ હેકટર વિસ્તારના ‘રક્ષકવન’ માં ૩૦ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. તેમજ આ ‘રક્ષકવન’ માં શિશુ વાટિકા, ઓપન જીમ, વોટરફોલ, કલાત્મક ફેન્સીંગ, શૌર્ય શિલ્પ, પગદંડી, વોચ ટાવર, ગઢ જેવા પ્રદેશ ઘર, મ્યુરલ્સ વોલ, શૌર્ય મશાલ, વિવિધ પ્રકારના વનો, બી.એસ.એફ. બંકર, સૌથી મોટી વોટર બોડી, પાણીની પરબ, ટોપલો બ્લોડ, બી.એસ.એફ. બંકર વગેરે બનાવવામાં આવ્યા છે. તો હવે કચ્છ ફરવા જાઓ તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો.