હાલનું ચેન્નઇ દક્ષિણ ભારતની સાંસ્કૃતિક રાજધાની છે જેને પહેલા મદ્રાસ નામથી ઓળખવામાં આવતું હતું. જે ભારતના મુખ્ય દર્શનીય સ્થળોમાંનુ એક છે. તામિલનાડુ સ્થિત ચેન્નઇ સમૃદ્ધ વિરાસત અને આધુનિક વિકાસનું એક સુંદર મિશ્રણ છે. આને દક્ષિણનું પ્રવેશદ્ધાર પણ કહેવામાં આવે છે જ્યાંથી તમે જાણીતા મહાબલીપુરમના મંદિર જ નહીં પરંતુ મદુરાઇ, કાંચીપુરમ અને પૉંડિચેરી જેવા પ્રસિદ્ધ સ્થળો પણ જોઇ શકો છો. જો કે તમે ચેન્નઇના દરેક પાસા અને બધા પર્યટન સ્થળોને જોવા માંગો છો તો એક સપ્તાહ પણ ઓછું પડશે. હાલ તો આપણે એક દિવસમાં શું જોઇ શકાય તેની માહિતી મેળવીએ.
ચેન્નઇના દર્શનીય સ્થળ
જો તમે તમારી યાત્રા સવારે 7 વાગ્યાથી આરંભ કરો છો તો 12 કલાકની ટેક્સી બુકિંગ માટે તમારે અંદાજે 2000-3500 રુપિયા આપવા પડશે (ગાડીના હિસાબે)
એક દિવસમાં ફરવા લાયક સ્થળો
1. શ્રી પાર્થસારથી મંદિર
8મા શતાબ્દીમાં પલ્લવો દ્ધારા નિર્મિત શ્રી પાર્થસારથી મંદિર ચેન્નઇના સૌથી જુના મંદિરોમાંનુ એક છે. આ એક વૈષ્ણવ મંદિર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તામિલમાં પાર્થસારથીનો અર્થ છે અર્જુનના સારથી અને તે છે ભગવાન શ્રી કૃષ્ણ. વર્તમાનમાં આપણે મંદિરના જે ઢાંચાને જોઇએ છીએ તે 16મી શતાબ્દીમાં વિજયનગરના સામ્રાજ્યના રાજાઓ દ્ધારા કરવામાં આવેલા જીર્ણોદ્ધારનું જ પરિણામ છે.
ચેન્નઇ શહેર સ્થિત આ મંદિરના મુખ્ય આકર્ષણ ભગવાન વિષ્ણુના રુપોને દર્શાવતા પાંચ અવતાર અહીં પર સ્થિત છે. જેમાં રામ, કૃષ્ણ, નરસિંહ, રંગનાથ અને ગજેન્દ્રનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકો ભગવાન વિષ્ણુને પાર્થસારથી પેરુમલના નામથી સંબોધિત કરે છે. જેની લગભગ 7 ફૂટની મૂર્તિ ઊભી અવસ્થામાં છે. મંદિરમાં મળનારા પ્રસાદને પાર્થસારથી કોઇલ પુલિયોથરાઇ કહેવાય છે જેને આંબલીના અર્ક, લાલ મરચું અને ભાત વગેરે સાથે બનાવવામાં આવે છે.
યાત્રાની ઉપયોગી જાણકારી
ક્યાં આવેલું છે
પીટર રોડ, ટ્રિપ્લિકેનમાં
કેવી રીતે જશો
બસ – ટ્રિપ્લિકેન અને વિવેકાનંદ ઇલ્લમ, નજીકનું બસ સ્ટેન્ડ છે.
ટ્રેન – ચેન્નઇ સેન્ટ્રલ અને એગ્મોર રેલવે સ્ટેશનથી ચાર કિલોમીટર દૂર
મેટ્રો- મંદિર સુધી મેટ્રો દ્ધારા પણ પહોંચી શકાય છે અને તિરુવલ્લિકની MRTS સ્ટેશન મંદિરથી થોડાક જ મીટર દૂર છે.
વિમાન – મીનમબક્કમ એરપોર્ટથી 25 કિ.મી. દૂર
મંદિરનો સમય
સવારે 05:30 – બપોરે 12:30 વાગે; સાંજે 04:00 – રાતે 09:00 વાગે
યાત્રાનો સમયગાળો
1-2 કલાક
ટ્રાવેલ ટિપ્સ
મંદિરની પાસે સીમિત પાર્કિંગ સ્થાન છે એટલા માટે બની શકે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ પ્રયોગ કરો. વધુ ભીડના કારણે સપ્તાહ દરમિયાન સવારે જશો તો સારુ રહેશે. મંદિરની બાજુમાં પ્રસિદ્ધ સુબ્રમણિ ભરથિયારનું સ્મારક પણ છે. પોતાને ગાઇડ બતાવનારા વ્યક્તિઓથી બચો. ઢંગના કપડા પહેરીને જાઓ. ખાસ કરીને મહિલાઓ. 50 રુપિયામાં ડોર્મેટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
2. સેંથોમ કેથેડ્રલ બેસિલિકા
ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી 6 કિલોમીટર દૂર સ્થિત, સેંથોમ કેથેડ્રલ બેસિલિકા ચેન્નઇના ઐતિહાસિક સ્થળોમાંનુ એક છે. સેંથોમ કેથેડ્રલ બેસિલિકા માયલાપુરમાં મરીના બીચના દક્ષિણ ભાગ પર છે. આ કેથેડ્રલ મૂળ રીતે પોર્ટુગિઝોએ 14મી અને 15મી સદીમા બનાવ્યા હતા જેનો જિર્ણોદ્ધાર 1893માં કરવામાં આવ્યો. આ ચર્ચ વાસ્તુકળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. મોટી મોટી બારીઓના કારણે આ ચર્ચનો અંદરનો ભાગ પૂર્ણ રીતે પ્રકાશિત રહે છે. અંદર એક મ્યૂઝિયમ પણ છે.
યાત્રાની ઉપયોગી જાણકારી
ક્યાં આવેલું છે
સેંથોમ હાઇ રોડ, માઇલાપોર
કેવી રીતે જશો
બસ – સેંથોમ ચર્ચ, નજીકનું બસ સ્ટોપ છે
ટ્રેન– ચેન્નઇ સેન્ટ્રલ સ્ટેશનથી 6 કિલોમીટર દૂર
મેટ્રો – તેયનામ્પેટ મેટ્રો સ્ટેશનથી 4 કિલોમીટર દૂર
વિમાન – મીનમબક્કમ એરપોર્ટથી 17 કિ.મી. દૂર
ચર્ચનો સમય
સવારે 06:00 – સાંજે 08:00 (દરરોજ)
યાત્રાનો સમયગાળો (યાત્રા સહિત)
1-2 કલાક
ટ્રાવેલ ટિપ્સ
અહીં સવારના સમયે જાઓ તો વધારે સારુ. નવા વર્ષ અને ક્રિસમસ દરમિયાન થતી પ્રાર્થના અંગે સીધા ચર્ચનો સંપર્ક કરો.
3. કપાલેશ્વર મંદિર, ચેન્નઇ
Kapaleeswarar Temple chennai
ભગવાન શિવ (તામિલઃકપાલેશ્વર) તેમજ માતા પાર્વતી (તામિલ:આરુલ્મિગુ કાર્પાગંબલ)નું આ મંદિર દ્રવિડ વાસ્તુકલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નભને સ્પર્શ કરતું કપાલેશ્વરનું મંદિર 120 ફૂટ ઉંચા ગોપુરમ છે જે અનેક દેવી-દેવતાઓની છબિથી પરિપૂર્ણ છે. આ મંદિરનું નિર્માણ પલ્લવ વંશ દ્ધારા સાતમી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાત મૂળ મંદિર પોર્ટુગિઝ દ્ધારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું જેને વિજયનગરના રાજાઓ દ્ધારા સોળમી શતાબ્દીમાં પુનઃબનાવવામાં આવ્યું.
પુરાણો અનુસાર માતા શક્તિ અહીં ભગવાન શિવની પૂજા એક મોર તરીકે કરતી હતી. તામિલમાં મોરને માઇલ કહે છે એટલા માટે આખા ક્ષેત્રનું નામ માઇલાપોર થઇ ગયું. એક દંતકથાઅનુસાર, એકવાર કૈલાશ પર્વત પર દેવતાઓની સભા ઉપરાંત બ્રહ્માજીએ દેવાધિદેવ શંકરને ઉચિત સન્માન ન આપ્યું. આનાથી ક્રોધિત થઇને ભગવાન શંકરે તેમના ચારમાથામાંથી એક માથા (કપાળ)ને કાપી નાંખ્યુ. પ્રાયશ્ચિત માટે બ્રહ્માજી નીચે આ સ્થાન પર આવ્યા અને એક શિવલિંગની સ્થાપના કરી અને ત્યારથી કપાલેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા.
યાત્રાની ઉપયોગી જાણકારી
ક્યાં આવેલું છે
માઇલાપોર
કેવી રીતે જશો
બસ – માઇલાપોર નજીક બસ સ્ટેન્ડ છે.
ટ્રેન– ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી 7 કિલોમીટર અને થિરુમિલાઇ લોકલ રેલવે સ્ટેશનથી લગભગ 900 મીટર દૂર
વિમાન – મીનમબક્કમ એરપોર્ટથી 15 કિમી દૂર
મંદિરનો સમય
સવારે 05:00 – બપોરે 12:00 વાગે; સાંજે 04:00 – રાતે 09:30 વાગે
યાત્રાનો સમયગાળો (યાત્રા સહિત)
1-2 કલાક
ટ્રાવેલ ટિપ્સ
મંદિરની પાસે માત્ર સીમિત પાર્કિંગ સ્થાન છે એટલા માટે બની શકે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ પ્રયોગ કરો. વધુ ભીડભાડના કારણે આ મંદિર સપ્તાહના દિવસોમાં સવારના સમયે જાઓ તો સારુ રહેશે. 50 રુપિયા આપીને તમે ગર્ભ ગૃહમાં પૂજા અર્ચના કરી શકો છો. શાલીન વસ્ત્ર પહેરીને જાઓ ખાસ કરીને મહિલાઓ. જો તમે કોઇ તહેવારમાં જાઓ છો (જેમ કે માર્ચ-એપ્રિલમાં બ્રહ્મોત્સવમ) તો તમે અહીં ભરતનાટ્યમનો આનંદ લઇ શકો છો. મંદિરમાં કેમેરા લઇ જઇ શકો છો પરંતુ ગર્ભગૃહમાં નહીં.
4. પૉંડી બજાર, ચેન્નઇ સિટી
Pondy Bazaar Chennai
પોંડી બજારને ચેન્નઇ સિટીનું શૉપિંગ હબ પણ કહેવાય છે. પૉંડ માર્કેટ માત્ર ખરીદી માટે જ નહીં પરંતુ ખાણીપીણી અને હેંગઆઉટ માટે પણ એક સારી જગ્યા છે. આ સ્થાન પર આપને ફ્રી વાઇફાઇની સુવિધા મળશે. જો તમે ખાવાના શોખીન છો તો અડયાર આનંદ ભવન, હૉટ ચિપ્સ, અંજાપર, ચેટ્ટીનાડ રેસ્ટોરન્ટ, કેએફસી મદુરાઇ પાંડિયન મેસ અને અલી બીબીક્યૂ ગ્રિલ પણ જઇ શકો છો.
યાત્રાની ઉપયોગી જાણકારી
ક્યાં આવેલું છે
ત્યાગરાયા રોડ, ટી નગર
કેવી રીતે જશો
બસ – ટી નગર નજીકનું બસ સ્ટેન્ડ છે જે વાયા પૉંડી બજાર થઇને જાય છે.
ટ્રેન– ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર દૂર
મેટ્રો – તેયનામ્પેટ મેટ્રો સ્ટેશનથી 1.5 કિલોમીટર દૂર
વિમાન – મીનમબક્કમ એરપોર્ટથી 12 કિમી દૂર
બજારનો સમય
સવારે 10:00 – રાતે 09:00 વાગે
યાત્રાનો સમયગાળો (યાત્રા સહિત)
2-3 કલાક
ટ્રાવેલ ટિપ્સ
અહીં પાર્કિંગની જગ્યા ઓછી છે જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો પ્રયોગ કરો. ઘણી દુકાનો ક્રેડિટ કાર્ડ નથી સ્વીકારતી એટલા માટે બની શકે તો કેશ રાખો. પૉંડી બજારની દુકાનોમાં કાપડ લઇને તરત દરજીને સિવવા આપી શકો છો. વિકેન્ડમાં ભાવ વધારે હોવાથી ભાવતાલ જરુર કરો.
5. મરીના બીચ, ચેન્નઇ
ચેન્નઇનો સમુદ્ર
બંગાળની ખાડીમાં આવેલો મરીના સમુદ્ર કિનારો ચેન્નઇના ઉત્તરમાં સ્થિત છે. 13 કિ.મી.માં પોતાની બોર્ડરને ફેલાવતો મરીના બીચ ભારતનો સૌથી વિશાળ સમુદ્રી કિનારો છો. ચેન્નઇ આવનારા પર્યટકોમાં મરીના સમુદ્ર કિનારો કેવીરીતે લોકપ્રિય છે તેનો નિર્ણય અહીં આવીને જ થઇ શકે છે. ચેન્નઇનું સૌથી પ્રસિદ્ધ દર્શનીય સ્થળ છે. સૂર્યાસ્ત પછી અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. પાર્થસારથી મંદિર મરીના બીચથી લગભગ એક કિલોમીટર દૂર છે જેથી તમે સૂર્યોદય સમયે અહીં આવીને તમારી યાત્રાનો પ્રારંભ કરી શકો છો.
યાત્રાની ઉપયોગી જાણકારી
ક્યાં આવેલું છે
કામરાજાર સલાઇ રોડ
કેવી રીતે જશો
બસ – મરીના બીચ સ્ટૉપ માત્ર 50 મીટર દૂર છે.
ટ્રેન– ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર દૂર છે.
મેટ્રો – લાઇટ હાઉસ મેટ્રો સ્ટેશનથી 1 કિલોમીટર દૂર
વિમાન – મીનબક્કમ એરપોર્ટથી 20 કિ.મી. દૂર
શ્રેષ્ઠ સમય
સવારે 09:00 સુધી, સાંજે 04:00 વાગ્યા પછી
શું કરશો
વૉટર-સ્પોર્ટ્સ, બીચ વોક, સ્ટ્રીટ ફૂડ, શોપિંગ, ઘોડેસવારી
યાત્રાનો સમયગાળો (યાત્રા સહિત)
2-3 કલાક
ટ્રાવેલ ટિપ્સ
મરીના બીચની નજીક જ બનેલા એક્વેરિયમ અને લાઇટહાઉસને જોવાનું ન ભૂલતા. મરીના બીચ પર દરિયાના મોજા ઘણીવાર શાંત નથી હોતા તેથી ઉછળતા દરિયાથી સાવધાન રહેજો. શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય અહીં આવવા માટે સારો છે. આ જગ્યાએ બહુ ભીડ રહે છે જેથી તમારા સામાનનું ધ્યાન રાખજો.