ગમે તેવા ખાઉધરા પણ પૂરી નથી કરી શકતા આ થાળી

0
520
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દેશના દરેક રાજ્ય પાસે પોતાની વાનગી છે અને એક ડીશ છે. જેમાં અનેક વાનગીઓ છે, મીઠાઈઓ છે, દાળની વિવિધતા છે અને અનોખા સ્વાદ છે. જુદા જુદા રાજ્યમાં જુદી જુદી ભોજનથાળી મળી છે. થાળીનું નામ પડતા જ સ્વાદપ્રેમીઓના મોમાં પાણી આવી જાય છે. એમ પણ અનલિમિટેડ મળે તો તો જોઈએ જ શું? સામાન્ય રીતે થાળીમાં નાના-નાના ખાના હોય છે, નાની વાટકીઓ હોય છે અને ફિક્સ મેનુ હોય છે. પણ આજે દેશના અનેક રેસ્ટોરાં અનલિમિટેડ થાળી ખવડાવે છે, જેમાં અનેક વાનગીઓ અને તેની ક્વોલિટી-કોન્ટિટી જોઈને જ પેટ ભરાઈ જશે અને આંખો ચાર થઈ જશે.

ખલી બલી થાલી

આ થાળીને દેશની સૌથી મોટી થાળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખલી-બલી થાળી દિલ્હીમાં મળે છે, 56 ઈંચની થાળીમાં વેજ અને નોન વેજ એમ બંને વાનગીઓ મળી રહેશે. ખાસ વાત એ છે કે કોઈ વાનગી કે સબ્જી પૂરી થઈ જાય તો બીજી કે ત્રીજી વાર જ નહીં અનલિમિટેડ વાર ખાવા મળશે. તો જ્યારે તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે પહોંચી જાવ આ થાળીનો ટેસ્ટ કરવા. હા, ચાર લોકો વચ્ચે આ થાળી શેર કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે અહીં ગ્રાહક મહારાજા છે એટલે મહારાજા જમે એટલું ભોજન થાળીમાં હોવું જોઇએ. ચાર કિલોના આ થાળીને ટેબલ સુધી લાવવા માટે બે વેઈટર આવે છે. દિલ્હીના કનોટ પ્લેસ પાસે આ થાળી મળે છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં રેસ્ટોરાંના રસોડામાં જઈને આ થાળીની કેવી તૈયારીઓ થાય છે તે જોઈ શકાય છે.

બાહુબલી થાળી

પૂણે ફરવા માટે જાવ ત્યારે આઓજી…ખાઓજીમાં આટો મારવા જેવો છે. જ્યાં એક સાથે, એક થાળીમાં 11 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. આ થાળીને પરાઠા કિંગ થાળી પણ કહેવામાં આવે છે. થાળીમાં છે 22 ઈંચના દેવસેના પરાઠા, કટપ્પા બિરયાની, શિવાગામી પંચ પકવાન જેમાં છ પ્રકારના શાક આવે છે, મેથી મલાઈ મટર, છોલે, પનીર ગુંઘરી, મટર મસાલા અને કુરમુરા સબ્જી. આ ઉપરાંત શાહી પનીર, ત્રણ પ્રકારની મીઠાઈ, સેના પાપડ, લચ્છા પરાઠા, જીરા રાઈસ. આ ઉપરાંત ભલ્લાલદેવ લસ્સી અને છાશ. આ તમામથી તૈયાર થાય છે. બાહુબલી થાળી. જેને એક સાથે આઠ લોકો જમે તો પણ થાળી પૂરી ન થાય.

રાજસ્થાની ડીશ

રાજાઓની ભૂમિ રાજસ્થાન તેના રાજવી ઠાઠ-માઠ, મહેલોની બાંધણી અને રાજસ્થાની આર્ટવર્કને કારણે દુનિયાભરમાં ડંકો વગાડે છે. પણ રાજવી ફૂડ પણ કંઈ અવગણવા જેવું નથી. જયપુરની મુલાકાત વખતે ચૌપાલમાં આંટો મારવા જેવો છે. ચૌકીધાનીમાં આવેલા ચૌપાલમાં રાજસ્થાની વાનગીઓનો ટેસ્ટ માણવા મળશે એ પણ અનલિમિટેડ. રોટલી શાકની સાથે લાડવા, દાલબાટી ચુરમા, ઘી રોટી, ઘી લાડુ તો ખરા જ. આ સાથે ચાર પ્રકારની ચટ્ટણી અને રાજસ્થાની ફરસાણ પણ પીરસવામાં આવે છે.

કેસરીયા થાળી

એક જ થાળીમાં 32 પકવાનોન સ્વાદ મળે તો? બેંગ્લોરના જે. પી. નગરમાં મળે છે કેસરીયા થાળી. આ થાળીને દિવાલી કી થાલી કહેવામાં આવે છે. જેની શરૂઆત વેલકમ ડ્રિંક્સથી થાય છે અને છેલ્લે મીઠાઈથી પૂર્ણ થાય છે. જેમાં ચાર પ્રકારના શાક, ત્રણ પ્રકારના ચાટ, બે પ્રકારના સલાડ, ત્રણ ચટ્ટણી, સિઝનમાં કેરીનો રસ, દહી રાયતા, પૂરી, કચોરી, હલવો, સેવમિક્સ જેવી વાનગીઓનો ટેસ્ટ મળી રહેશે. આ થાળીની ખાસ વાત એ છે કે, આ થાળીમાં વાનગીઓની કોન્ટિટી વધુ આવતી હોવાથી તે એક વ્યક્તિથી પૂરી થતી નથી. ઓછામાં ઓછાં પાંચ લોકો એક સાથે બેસીને એક જ થાળીમાંથી જમી શકે છે.

દારાસિંહ ડીશ

મુંબઈના મસેલાદાર મિનિ પંજાબ નામના એક નાનકડા રેસ્ટોરાંમાં મળે છે દારાસિંહ થાળી. નોનવેજ પ્રેમીઓ માટે આ થાળીનું જમવાનું કાયમ માટે દાઢમાં રહી જશે. આ થાળીને દુનિયાની સૌથી મોટી નોનવેજ થાળીનું ટેગ મળેલું છે. અહીં સ્ટાર્ટર તરીકે પાણીપૂરી આપવામાં આવે છે. 24 વાટકાઓ ભરીને નોનવેજની અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. ત્રણ પ્રકારની રોટી અને છ પ્રકારની મીઠાઈ બે કુલ્લડ ભરીને નોન વેજ દાળ, બે પ્રકારના ભાત, ચીકન પીસ, ફીશ પીસ બોનલેસ પીસ જેવી આઈટમ સ્વાદ પ્રેમીને કાયમ માટે યાદ રહી જશે.

છપ્પનભોગ

આ થાળીના નામ પરથી થાળીની ઓળખ થઈ જાય છે. છપ્પનભોગ. જેમાં 56 પ્રકારની ખાણી-પીણીની આઈટમ પીરસવામાં આવે છે. મુંબઈના હલવાઈ કી દુકાનેથી આ થાળી મળી રહેશે. જોકે, નોંધવા જેવું છે કે, દુકાનનું નામ હલવાઈ કી દુકાન અને ત્યાં થાળી મળી રહે છે. માત્ર મીઠાઈની વાત જ નહીં, સ્પાઈસી અને ચટાકેદાર ફૂટ માટે એક વખત આ થાળી ટેસ્ટ કરવા જેવી છે. ચાર લોકો સાથે મળીને જમી શકે એટલી મોટી છે આ થાળી. ખાસ વાત એ છે કે, અહીંથી જમી લીધા બાદ જેટલા જોઈએ એટલા મુખવાસના પેકેટ તેઓ ફ્રીમાં આપે છે.

સુકાંતા થાલી

પુણેના જીમ ખાના પાસે સુકાંતા થાળી મળે છે જેમાં કુલ 28 પ્રકારની ખાણી-પીણીની મૂકવામાં આવી છે. આ થાળીનું ડેકોરેશન તેની શાન છે. અનેક વખત લોકો આ થાળીના ફોટા પાડવા માટે ખાસ રેસ્ટોરાંમાં આવે છે. ખાસ વાત એ છે કે આ થાળીમાં તમે કોઈ પણ સબ્જીને કસ્ટમાઈઝ કરી શકો છો. બે પ્રકારના ખમણ, કેરીનો રસ, લીલા શાકભાજી, કઠોડ, પંજાબી શાક અને ફરસાણ તો ખરા જ પણ પુણે જ નહી મહારાષ્ટ્ર્ની મીઠાઈનો ટેસ્ટ પણ મળી રહે છે. આટલું જમ્યા બાદ મુખવાસમાં પણ નવીનતા છે, આઠ પ્રકારના મુખવાસ જમવાવનું પચાવવા માટે તૈયાર કરાયા છે.