બજરંગદાસ બાપાના નામથી ઓળખાતું ‘બગદાણા’ ધામ, દર્શન કરી ધન્યતા અનુભવો

0
1496
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

બગદાણાનો ઇતિહાસ

ઇસ ૧૯૦૬ દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતા. રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર હતું. આજુ બાજુની બહેનો એમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદિરમાં હનુમાનજીની આરતીનાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું “ભક્તિરામ”. નાનપણથી જ ભક્તિરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતા. ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા.

એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે, જરુર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે, તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા. ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે, જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ, એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયા. તેમને પરમતત્વ અને યોગ સિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા.

ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે, તમે તો ગુરુ અવતાર છો. મારે તમને આપવાનું હોય, તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે, જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે, આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે. ત્યારથી ભક્તિરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યા.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ આશરે ૧૯૪૧માં બગદાણા આવેલા. તેઓને બગદાણા ગામની બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બગડાલવ નામનો કુંડ ગમી ગયા. ત્યારપછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો. એવું કહેવાય છે કે તેઓએ ૧૯૫૧માં આશ્રમની સ્થાપના કરી હતી. ૧૯૫૯માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેવી રીતે જશો બગદાણા

બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે. નજીકનું એરપોર્ટ ભાવનગર અને રેલવે સ્ટેશન પાલીતાણા છે.

રહેવાની સુવિધા : બગદાણામાં બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી નથી. ભોજનાલય 24 કલાક ધમધમે છે.