પર્યટકો માટે સારા સમાચાર ગોવાથી આવી રહ્યા છે. સમાચારોનું માનીએ તો માર્ચ 2021 સુધી અગોડા જેલનું સમારકામ પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ એપ્રિલ અથવા મે મહિનાથી Aguada Jail પર્યટકો માટે ખોલી નાંખવામાં આવશે. આ વાતને સમર્થન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નિવેદનથી મળે છે, જેમાં તેમણે કહ્યું કે જાણીતી Aguada Jailનું રિપેરિંગનું કામ આવતા બે મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યાર બાદ કોઇપણ જાતના વિલંબ વગર Aguada Jailને પર્યટકો માટે ખોલી નાંખવામાં આવશે. આ જેલમાં સ્વતંત્રતા સેનાની ટી બી ચુન્હા અને રામ મનોહર લોહિયાને બે વિશેષ કોઠી સમર્પિત કરવામાં આવશે.
આ અંગે વધુ જાણકારી આપતા સીએમ સાવંતે કહ્યું કે અંદાજે 90 ટકા સમારકામનું કામ સંપન્ન થઇ ચૂક્યું છે અને ફક્ત 10 ટકા કામ બાકી છે, જેને માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ આ આકર્ષણ સ્થળ પર્યટકો માટે બનીને તૈયાર થઇ જશે. વર્ષ 2015થી અગોડા જેલમાં કેદીઓને નથી રાખવામાં આવતા. હવે જેલને પર્યટકો માટે ખોલવામાં આવી રહી છે. આ જેલમાં એક મ્યૂઝિયમ પણ હશે, જેમાં ગોવાની આઝાદી માટે પોર્ટુગીઝો સામે લડનારા ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા બતાવવામાં આવશે. અગોડા જેલ માંડવી નદીની નજીક સિકેરિમ ગામમાં અગોડા કિલ્લાની અંદર આવેલી છે.
આવો આ કિલ્લા અંગે જાણીએ-
ઇતિહાસકારોનું માનીએ તો પોર્ટુગીઝોએ અગોડા કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ કિલ્લાનું નિર્માણ ઇસ.1609માં શરુ કરવામાં આવ્યું હતું. તો ઇસ.1612માં આ કિલ્લો બનીને તૈયાર થઇ ગયો હતો. આનું નિર્માણ સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે ઇસ.1864માં અગોડા કિલ્લામાં લાઇટ હાઉસનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે આ લાઇટ હાઉસ એશિયાના સૌથી જુના હાઉસોમાંનું એક છે. આ કિલ્લો ગોવાની રાજધાની પણજીથી અંદાજે 18 કિલોમીટર દૂર છે. આ કિલ્લાથી અરબી સમુદ્ર અને માંડોવી નદીની સુંદરતા જોવાલાયક છે.