વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. પેલસેમાં પક્ષી નિરીક્ષણ, સ્વીમિંગ, ફીશિંગ, વોલીબોલ, ક્રિકેટ તથા ઇન્ડોર ગેમ્સની અને ઘોડા તથા ઊંટ-સવારીની પણ સગવડો છે. થોડે દૂર 72 જૈન દેવાલયોનું સંકુલ છે.
મહેલનો ઇતિહાસ
વિજય વિલાસ મહેલનું નિર્માણ ઇસ.1929માં રાવ વિજયરાજજીએ કરાવ્યું હતું. આ મહેલના નિર્માણની શરૂઆત ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો કરવામાં આવી હતી. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરવાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. આ મહેલ બોલીવુડની અનેક ફિલ્મો જેવી કે લગાન અને હમ દિલ દે ચુકે સનમમાં બતાવવામાં આવ્યો છે.
૬૯૨ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ ભવ્યાતિભવ્ય મહેલ બાંધવામાં એ વખતે ૫૦ લાખ કોરી (કચ્છના ચાંદીના ચલણી સિક્કા)નો ખર્ચ થયો હતો, આજના ભાવ પ્રમાણે તેની કિંમત ૬૫૬ કરોડ રૂપિયા જેટલી થાય! માંડવી શહેરમાં ચાર હજાર વર્ષ જુની શીપયાર્ડ કંપની છે જે અત્યારે પણ નાની શિપોનું નિર્માણ કરે છે. અત્યારે વિજય વિલાસ પેલેસની આજુ-બાજુમાં સુંદર બાગ-બગીચાઓ, પાણીના ફુવારાઓ છે.
શહેરના મધ્યભાગથી સાત કિમી.ના અંતરે આવેલો મહેલ સવારે 9.00થી 1.00 વાગ્યા સુધી અને બપોરે 3.00થી 6.00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પ્રવેશ ફી રૂ.20 છે. ફોટોગ્રાફીનો ખર્ચ રૂ.50 થાય છે અને ખાનગી વાહન દ્વારા પ્રવેશ કરવો હોય, તો રૂ.10નો ચાર્જ છે. મહેલનો એક હિસ્સો રિસોર્ટમાં ફેરવી દેવામાં આવ્યો છે. જે માંડવી દરિયા કિનારાથી નજીક છે. માંડવીમાં રહેવા માટે અનેક હોટલો છે.
અહીં કેવી રીતે પહોંચશો ?
ભૂજના કેન્દ્રીય પરિવહન વિસ્તારમાંથી દર 30 મિનિટે એસટી બસો અને ખાનગી જીપો ઉપડે છે. સ્થાનિક પ્રવાસ માટે જીપો ભાડે કરી શકાય છે. રેલવે દ્ધારા જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન ભૂજ અને ગાંધીધામ છે. ભૂજમાં એરપોર્ટ પણ છે.