શિયાળો હોય કે ઉનાળો ફરવા માટે આ હિલ સ્ટેશન છે બેસ્ટ

0
709
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતીઓ ફરવા માટે ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ફરવા જાય છે. ઉત્તરાખંડમાં ફરવા માટેનું એક સુંદર હિલ સ્ટેશન છે નૈનીતાલ. નૈનીતાલમાં હિમાલયની પર્વતમાળા, ગંગાનદી, સ્વચ્છ હવામાન અને લીલાછમ જંગલો મનમોહી લે છે. આમ તો નૈનિતાલ કાયમ પ્રવાસીઓનું લોકપ્રીય ડેસ્ટિનેશન રહ્યું છે. પરંતુ દરરોજની ભાગદોડ અને ઓફિસના કામકાજથી બ્રેક લેવો હોય તો આ જગ્યા સૌથી બેસ્ટ છે. અહીં દર વર્ષે દેશના અનેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

નૈનિતાલના પ્રવાસ સમયે અહીંની કેટલીક જગ્યાઓની ખાસ મુલાકાત તમારા પ્રવાસને કાયમ માટે યાદગાર બનાવી દેશે. નૈનીલેક એમાંની એક છે. પહાડની વચ્ચે આવેલું વિશાળ તળાવ ફોટા પાડવા મજબુર કરી દે એવું આ લોકેશન છે. આ ભવ્ય લોકેશન પર સવારથી મોટી સંખ્યામાં લોકો એન્જોય કરવા માટે આવે છે. આ તળાવમાં તમે બોટિંગ પણ કરી શકો છો. આસપાસના વિશાળ વૃક્ષો વચ્ચેથી વહેતું પાણી મનમોહી લે છે

નૈનિતાલની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે ઈકો કેવ. જેમાં એક સાથે કેટલીય ગુફાઓ છે. આ ગુફાઓની સૌથી ખાસ વાત એ છે કે, બાહર ભલે ગમે તેવી ઠંડી હોય કે ધગધગતી ગરમી પણ ગુફાની અંદર તો ટાઢકનો અહેસાસ થશે. અહીંથી સ્નોવ્યુ પોઈન્ટના પણ દર્શન થશે. આ ગુફાની આસપાસ બોલીવૂડની કેટલીય ફિલ્મોનું શુટિંગ થયેલું છે.

નૈનિતાલમાં આવેલું મુક્તેશ્વર મહાદેવ મંદિર બેસ્ટ સનસેટ પોઈન્ટ છે. શિવલીંગના દર્શન કર્યા બાદ અહીં સનસેટનો નજારો અદ્ભૂત છે. મોટાભાગના પ્રવાસીઓ અહીં આવીને ફોટોગ્રાફી કરે છે. નવયુગલો માટે આ એક બેસ્ટ જગ્યા છે જ્યાં સનસેટ પોઈન્ટ પર ફોટો પડાવીને કાયમી યાદગીરી બનાવી શકાય છે. અહીંનો કુદરતી નજારો પણ એક વખત માણવા લાયક છે. ઠંડીની સિઝનમાં અહીં તાપમાન સિંગલ ડીજીટમાં થઈ જાય છે.

રાજ ભવનને ગર્વનર હાઉસ પણ કહેવામાં આવે છે. જે ઉત્તરાખંડનું ગર્વનર આવાસ છે. આપણા દેશમાં જૂજ ગર્વનર હાઉસ છે જે પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નૈનિતાલનું ગવર્નર હાઉસ તેમાંથી એક છે. 220 એકરમાં પથરાયેલું ગવર્નર હાઉસ ભવ્ય અને સુંદર છે. આસપાસ બગીચો અને રાજવી ઠાઠમાઠ તે યાદ અપાવે છે.

નૈનિતાલ તળાવોનું શહેર છે. નૈનિતાલમાં નૌકુચિયા તાલ લેક પ્રખ્યાત છે. ભીમતાલથી 11 કિમી દૂર સ્થિત નૌકુચિયા તાલ નૈનિતાલના જોવા લાયક સ્થળમાંથી એક છે. શાંતિથી સમય પસાર કરવા અને ફોટો પાડવા માટે આ એક બેસ્ટ લોકેશન છે.

મોટા ભાગના પ્રવાસીઓ નૈનિતાલ આવે ત્યારે હિલટોપની અચૂક મુલાકાત લે છે. પહાડની વચ્ચે આવેલા હિલટોપ પરથી નૈનિતાલનો દમદાર નજારો જોવા મળે છે. નૈનિતાલથી 2.5 કિમીના અંતરે આવેલું હિલટોપ રોપ-વે ધરાવે છે. પહાડ વચ્ચેથી પસાર થતા રોપ-વે કોઈ ફોરેન સાઈટનો અહેસાસ કરાવે છે. અહીં એક એમ્યુઝમેન્ટ પાર્ક પણ આવેલું છે.