કલાત્મક વારસાની ભૂમિ રહી છે બુરહાનપુર, જ્યાંની યાત્રા નિશ્ચિત જ આપને એક અનોખો અનુભવ કરાવશે. મુગલ બાદશાહ શાહજહાંની પ્રિય બેગમ મુમતાજ મહલનું અવસાન પણ અહીં જ થયું હતું. એવી માન્યતા છે કે અહીંના કાળા તાજમહેલથી પ્રેરણા લઇને આગ્રામાં સંગેમરમરના તાજમહેલનું નિર્માણ થયું હતું. અહીંના ઇતિહાસને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશના પર્યટકો આવે છે.
નાગઝિરી ઘાટ
ભગવાન શ્રીરામે પોતાના વનવાસ કાળમાં તાપ્તી તટના જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કર્યું, તેનો સ્કંદ પુરાણના તાપ્તી મહાત્મ્યમાં ઉલ્લેખ છે. તાપ્તી નદી તટના એટલા પ્રદેશને રામક્ષેત્ર કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે અહીં શ્રીરામે પોતાના પિતા મહારાજ દશરથનું પિંડદાન પણ કર્યું અને શિવલિંગની સ્થાપના પણ કરી હતી. આ વર્તમાનમાં નાગઝિરી ઘાટ કહેવાય છે. આ ઘાટ પર 12 શિવ મંદિર છે જેને દ્ધાદશ જ્યોર્તિલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં શ્રીરામ ઝરોખા મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતાની પ્રતિમા વનવાસી સ્વરૂપે વિદ્યમાન છે.
અતીતની સમૃદ્ધ જૈન નગરી
પ્રાચીન સમયમાં આ શહેર જૈન નગરી તરીકે પણ ઓળખાતું હતું અહીં કાષ્ઠકલાની અનુપમ કારીગરીથી સુસજ્જિત અનેક જૈન મંદિર વિદ્યમાન હતા. તેમાંથી એક ભગવાન પાશ્ચનાથનું મંદિર પોતાની ઉત્કૃષ્ટતા માટે જાણીતું હતું. ઇસ.1857માં ઘટિત ભયાનક અગ્નિકાંડમાં આ મંદિર સંપૂર્ણ રીતે સળગી ગયું હતું. ત્યાર બાદ અહીં નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. મંદિરના પ્રવેશ દ્ધાર પર સંગેમરમર પર ઘણી જ કલાત્મક નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરના બધા મંડપોની છત પર કાંચની અદ્ધિતીય ચિત્રકારી દર્શકોનું મન મોહી લે છે. તેમાં ભગવાન શાંતિનાથના 12 ચિત્રોની સાથે 24 જૈન તીર્થંકરોમાં ચિત્રોને કોતરવામાં આવ્યા છે. મંદિરના બહારના ભાગમાં એક બીજું મંદિર છે. જે લગભગ 60 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. તેના મધ્યભાગમાં ભગવાન શાંતિનાથની ચતુર્મુખી પ્રતિમા સ્થાપિત છે.
શીખ ગુરૂઓએ પણ પગલા માંડ્યા
બુરહાનપુર શહેર શીખ સમાજનું પણ ધાર્મિક પર્યટન સ્થળ રહ્યું છે. અહીં શીખોના પ્રથમ શ્રી ગુરૂ નાનકદેવ જી મહારાજ તેમજ દસમાં શ્રી ગુરૂ ગોવિંદ સિંહજી મહારાજ પધાર્યા હતા. કેટલાક સમય અહીંયા રહ્યા અને ધર્મ-જ્ઞાનની અલખ જગાવી. આજે પણ અહીં રાજઘાટ અને લોધીપુરામાં મોટું ગુરુદ્ધારા આવેલું છે, જ્યાં પ્રતિવર્ષ હજારો શ્રદ્ધાળુઓ માથુ ટેકવા આવે છે.