મોટાભાગે એવુ થાય છે કે શહેરની વ્યસ્તતાથી મન ભરાઇ જાય છે, ત્યારે રિફ્રેશ થવા માટે કોઇ એવી શાંત જગ્યાએ જવાનું મન થાય છે. જો તમે પણ આવી કોઇ જગ્યાએ જવા માંગો છો તો ઉત્તરાખંડનું બિનસર સૌથી પરફેક્ટ જગ્યા હોઇ શકે છે. આવો, જાણીએ ત્યાં શું છે ખાસ.
બિનસર અલ્મોડાથી અંદાજે 33 કિમીના અંતરે વસ્યું છે. બિનસર એક ગઢવાલી શબ્દ છે, જેનો અર્થ થાય છે નવ પ્રભાત. દેવદારના જંગલોથી ઘેરાયેલું આ સંપૂર્ણ ક્ષેત્ર હવે એક વન્ય અભ્યારણ્ય બની ચૂક્યું છે. અહીં સ્થિત ઝીરો પોઇન્ટથી હિમાલયના શિખરો જેવી કે કેદારનાથ, ચૌખંબા, નંદા દેવી, પંચોલી વગેરે શિખરો જોઇ શકાય છે.
બિનસર વાઇલ્ડ લાઇફ સેન્ચૂરી
બિનસર વાઇલ્ડ લાઇફ સેન્ચૂરી, લગભગ 49.59 ચોરસ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલી છે. બિનસર, જુદીજુદી પર્વતીય વનસ્પતિઓની સાથે જીવ-જંતુઓની ઘણી પ્રજાતિઓનું સંરક્ષણ પ્રદાન કરે છે. અહીં વન્ય જીવોમાં દિપડો, ગોરા, જંગલી બિલાડીઓ, શિયાળ, બાર્કિંગ હરણ, કસ્તૂરી હરણ વગેરે જોવા મળે છે. સાથે જ અહીં, પક્ષીઓની 200થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ઉત્તરાખંડનું રાજય પક્ષી મોનાલ જાણીતું છે, જે હવે ઓછું જ જોવા મળે છે. આ ઉપરાંત, તમે પોપટ, ઇગલ્સ, લક્કડખોદ વગેરે પક્ષીઓને પણ અહીં જોઇ શકાય છે.
બિનસર મહાદેવનું મંદિર
દેવદારના ગાઢ જંગલોથી ઘેરાયેલું અહીં એક મહાદેવનું મંદિર પણ છે, જેને ‘બિનસર મહાદેવ’ ના નામે પણ ઓળખાય છે. ભગવાન ભોળાનાથને સમર્પિત આ મંદિર હિન્દુઓનું પવિત્ર સ્થાનોમાંનું એક છે. અહીં વર્ષના જૂન મહિનામાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
રાનીખેત હિલ સ્ટેશન
બિનસરની પાસે જ છે, રાનીખેત જે અલ્મોડાનું એક સુંદર હિલ સ્ટેશન છે. આ સંપૂર્ણ પર્વતીય ક્ષેત્ર દેવદાર તેમજ ઓક વૃક્ષોથી ઘેરાયેલું છે. અહીંથી તમે હિમાલયના શિખરોને સરળતાથી જોઇ શકો છો. આ આખો પર્વતીય વિસ્તાર પ્રાકૃતિક શાંતિથી ભરેલું છે. અહીં જઇને તમે ભરપૂર માનસિક તેમજ આત્મિક શાંતિનું અનુભવ કરી શકશો. રાનીખેત ગોલ્ફ રમવા માટે એક સારૂ સ્થાન ગણવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો
તમે બિનસર ત્રણેય રીતે પહોંચી શકો છો, અહીં નજીકનું એરપોર્ટ પંતનગર છે, જે લગભગ 152 કિમીના અંતરે છે. રેલવે માર્ગ માટે કાઠગોદામ રેલવે સ્ટેશન આવી શકે છે, જે ભારતના અનેક શહેરો સાથે જોડાયેલું છે. તમે ઇચ્છો તો બિનસર રોડ દ્ધારા પહોંચી શકો છો.