ટ્રેક Lovers માટે બેસ્ટ છે આ જગ્યા, ફરવા જવાનો ખર્ચ માત્ર 7000

0
472
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ખીરગંગા ટ્રેક છેલ્લા થોડા સમયમાં ઉત્તર ભારતમાં ટ્રાવેલ કરતા લોકોમાં ખૂબ જ પોપ્યુલર બની ગયો છે. એ હદે કે તમે આ જગ્યા નથી જોઈ તો તમે ટ્રેક લવર કહેવાઓ જ નહિં. ખીરગંગા એક નાનકડું ગામડું છે જે પહાડની ચોટી પર આવેલા શિવમંદિર માટે પોપ્યુલર છે. વાયકા મુજબ અહીં શિવજીએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. આ મંદિર નજીક ગરમ પાણીના ઝરા પણ આવેલા છે.

કેવો છે ટ્રેક ?

ખીરગંગા મિડિયમ લેવલનું ટ્રેક છે અને 14 કિ.મી જેટલી ચડાઈ છે. તેની કેમ્પસાઈટ પર પહોંચતા 4થી 5 કલાકનો સમય લાગે છે. અહીંની સુંદરતા કોઈનું પણ મન મોહી લે તેવી છે. ટ્રેકની સાથેસાથે સેન્ડવિચ, નૂડલ્સ, કેક, ઠંડીપીણા વેચત નાની મોટી દુકાનો પણ છે. પાર્વતી નદીનું ખળખળ વહેતુ પાણી, વૉટરફૉલ વગેરે જોતા જોતા ટ્રેકિંગની મજા અનેકગણી વધી જાય છે.

સોલાર પાવર પર ચાલે છે

આ ટ્રેક બારશૈની પાસે શરૂ થાય છે. ત્યાંથી નકથન ગામ જવાય છે. આ નાના ગામમાં લાકડા અને પથ્થરથી બનેલા નાના ઘર આવેલા છે. અહીં ટ્રેકર્સ માટે રહેવાની વ્યવસ્થા અને કેફે છે. ત્યાર બાદ રુદ્ર નાગ મંદિર આવે છે જ્યાં અટકીને ટૂરિસ્ટ થોડો થાક ખાય છે. ખીરગંગા સોલર પાવર પર ચાલે છે. ટોચ પર મોબાઈલ નેટવર્ક સાવ ઝીરો છે. કદાચ BSNLનું નેટવર્ક ચાલે. ટોચ પર ફૂડ પણ થોડું મોંઘુ મળે છે. નખતન ગામથી ઉતરવા માટે 3 કલાક જેટલો સમય લાગે છે.

કેટલો ખર્ચ થાય ?

ખીરગંગા જવા માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂ નથી. અમદાવાદથી દિલ્હીની સેકન્ડ ક્લાસ સ્લીપરની જવા-આવવાની રેલવે ટિકિટ 1000 રૂપિયામાં પડશે. દિલ્હીથી ભૂંટારની વોલ્વો બસની આવવા-જવાની ટિકિટ 2000 રૂપિયા છે. ભૂંટારથી બારશૈનીની આવવા-જવાની ટિકિટ 200 રૂપિયા છે. ખીરગંગામાં રહેવા માટે તમારે પ્રતિદિન 200 રૂપિયા આપવા પડશે અને ખાવા પીવા માટે અંદાજે 500 રૂપિયા જેટલો ખર્ચો થશે. આમ દિલ્હી પહોંચ્યા બાદ લગભગ સાતેક હજારમાં તમારી આ એડવેન્ચરસ ટ્રિપ પૂરી કરી શકો.

કેવી રીતે પહોંચી શકાય ?

કસોલ અને બારશૈનીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ છે. તમે પુલનાથી પણ બસ પકડી શકો પણ પુલનાથી થોડું અઘરું છે. આ ઉપરાંત ભૂંટારથી મણિકરન (36 કિ.મી) અને મણિકરણથી બારશૈની (18 કિ.મી) જઈ શકો છો. બારશૈનીથી ભૂંટારની છેલ્લી બસ સાંજે 5 વાગે ઉપડે છે. મણિકરણથી તમે ટેક્સી પકડી 100 રૂપિયામાં ત્યાં પહોંચી શકો છો.

ક્યાં રહી શકાય ?

ખીર ગંગાની ટોચ પર રહેવાની જગ્યાની કોઈ તંગી નથી. ત્યાં અનેક ટેન્ટ ઉપલબ્ધ છે. સાધુઓ દ્વારા ચલાવાતા આશ્રમમાં પણ જગ્યા મેળવી શકો. બેઝિક રૂમ તમને 150-200 રૂપિયામાં મળી જશે. તેમાં તમને દાળ-ભાત અને ચપાટી પણ જમવા મળશે. આશ્રમ નજીક ગરમ પાણીના ઝરા, કોમન ટોઈલેટ છે. સૂવા માટે કોમન જગ્યા રૂ. 200માં ઉપલબ્ધ છે જેમાં તમને ગાદલા અને ઓઢવા માટે કામળો મળશે. સીઝન, યાત્રીઓની સંખ્યા અને રૂમની ઉપલબ્ધિના આધારે તમને જગ્યા મળશે.