ગરમીની સીઝનમાં મેદાની વિસ્તારમાં રહેનારા લોકોનું મન પર્વતોની તરફ ભાગવા લાગે છે. ગરમીથી ઠંડક તરફ, ઘોંઘાટથી એકાંત તરફ આવવાનું ઘણું જ શાનદાર તેમજ મનમોહક લાગે છે. ગુજરાતના લોકોને આમ પણ પર્વતો ઘણાં જ આકર્ષે છે. આવી જ એક જગ્યા છે, ચોપતા, જેને ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. લોકો પ્રકૃતિની રુબરૂ થવાની સાથે જ કેટલીક પળો એકાંતમાં વિતાવવા માટે અહીં આવે છે.
ચોપતાની સુંદરતા
રસ્તાથી દૂર આકાશને આંબતી બરફથી ઢંકાયેલા પર્વતોના શિખરોની સુંદરતાને જોઇને એવું લાગે છે કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઇએ. કેટલાક પગપાળા ચાલીને તો કેટલાક પ્રવાસીઓ ખચ્ચરો પર સવાર થઇને અહીં પહોંચે છે. અહીંનું મોસમ ઘણું જ મનમોહક હોય છે.
તુંગનાથ-ચંદ્રશિલા ટ્રેક
તુંગનાથ ઘણું જ જાણીતું મંદિર છે. તુંગનાથ, પંચ કેદાર (કેદારનાથ, મદ્મહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વર) માંનું એક છે અને તે ત્રીજા સ્થાને આવે છે. મોટાભાગના લોકો ફક્ત કેદારનાથ અંગે જ જાણે છે પરંતુ આ પાંચેય કેદાર પણ એટલું જ મહત્વ રાખે છે, જેટલું કેદારનાથ. તુંગનાથ મંદિરથી ચંદ્રશિલા એક કિલોમીટર દૂર છે. પરંતુ ચઢાણ ઘણું જ કઠણ છે. ઘણીવાર તો લોકો ફક્ત તુંગનાથથી જ પાછા ફરી જાય છે. બરફવર્ષાના કારણે રસ્તો ઘણો લપસણો બની જાય છે. ચંદ્રશિલા પીક પર માં ગંગાનું મંદિર બનેલું છે અને અહીં ચારે તરફ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો જોવા મળે છે. અહીંથી નંદાદેવીના શિખરને સ્પષ્ટ જોઇ શકાય છે.
ક્યારે અને કેવીરીતે પહોંચો
માર્ચથી નવેમ્બર સુધી અહીં આવવા માટેનો યોગ્ય સમય છે. જો કે, આવી તો ગમે ત્યારે શકાય છે, પરંતુ શિયાળામાં બરફ વધુ હોવાથી રસ્તો બંધ થઇ જાય છે, જેનાથી ટ્રેકિંગ વધી જાય છે.
અહીં પહોંચવા માટેના બે રસ્તા છે
1. ઋષિકેશથી ગોપેશ્વર 212 કિમી અને ગોપેશ્વરથી ચોપતા 40 કિમી
2. ઋષિકેશથી ઉખીમઠ 183 કિમી અને ઉખીમઠથી ચોપતા 25 કિમી. ઋષિકેશથી ગોપેશ્વર માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. આનાથી આગળ બસ કે શેરિંગ જીપ કે પ્રાઇવેટ ટેક્સી કરીને પણ જઇ શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન હરિદ્ધાર છે જે દેશના બધા ભાગો સાથે જોડાયેલું છે. નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ એરપોર્ટ દેહરાદૂનમાં છે.