બરફ કોને પસંદ ન હોય. દરેક વ્યક્તિ પર્વતો પર ફરવા અને હિમવર્ષાની મજા માણવા આતુર હોય છે. ખાસ કરીને મેદાની વિસ્તારના લોકોમાં બરફ જોવાની ઇચ્છા વધુ હોય છે. સામાન્ય રીતે હિમવર્ષા શિયાળામાં જ થતી હોય છે પરંતુ દેશની કેટલીક ઉંચાઇવાળી જગ્યાઓ પર આખું વર્ષ બરફની ચાદર છવાયેલી રહે છે. આ સ્થાનો પર ગરમીમાં પણ બરફનો આનંદ માણી શકાય છે.
રોહતાંગથી સુંદર છે સાચ પાસ
પોતાની સુંદરતા અને રોમાંચને કારણે આ ટૂરિસ્ટ્સની પસંદગીની જગ્યાઓમાંની એક છે. સાચ પાસ રોહતાંગ પાસથી વધુ સુંદર છે. જૂન-જુલાઇના મહિનામાં સાચ પાસમાં બરફની ચાદર પથરાઇ જાય છે. ગરમીઓમાં પણ અહીં બરફની ઉંચાઇ 10થી 15 ફૂટ સુધીની હોય છે. જ્યાં બરફવર્ષાનો આનંદ ઉઠાવી શકાય છે. જુન-જુલાઇમાં અહીંનું તાપમાન પણ ઝીરો ડિગ્રીની નીચે રહે છે. સાચ પાસથી પસાર થઇને પાંગી ખીણ પહોંચીને ત્યાંની સુંદરતાને મનભરીને માણી શકાય છે.
દરેક વળાંક પર રોમાંચ
સાચ પાસ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરાહ અને પાંગી તાલુકાઓને પરસ્પર જોડે છે. સાચ પાસ 14,500 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સાચપાસની સફર ઘણી રોમાંચથી ભરપૂર છે. જેમ જેમ સંતરૂડીથી આગળ ઉંચાઇ પર આગળ વધતા જાઓ તેમ તેમ દરેક વળાંક નવો રોમાંચ જોવા મળે છે. અનેક જગ્યાઓ પર જ્યાં સીધા ચઢાણનો સામનો થાય છે, તો કેટલીક જગ્યાએ ખળ-ખળ વહેતા ઝરણાંની નીચે થઇને પસાર થવું પડે છે. આવા જ કેટલાક બીજા અનુભવો ટૂરિસ્ટને સફર દરમ્યાન જોવા મળે છે.
વર્ષમાં પાંચ મહિના જ ખુલે છે સાચ પાસ
સાચ પાસને ખોલવા અને તેની સંભાળ રાખવાની જવાબદારી લોક નિર્માણ વિભાગ પાસે છે. જેવી ગરમીની સીઝન આવે છે, તો લોક નિર્માણ વિભાગ દ્ધારા સાચ પાસને ખોલવા માટે મશીનરી લગાવાય છે. ટૂરિસ્ટો માટે સાચ પાસ જૂન મહિનામાં ખુલે છે. અને ઓક્ટોબરમાં ફરી બંધ થઇ જાય છે.
કેવી રીતે પહોંચશો
જો તમારે હિમાચલ પ્રદેશના સાચ પાસ પહોંચવું હોય તો સૌથી પહેલા પઠાણકોટ પહોંચવું પડશે. તેની આગળ દુનેરા કે નુરપૂરથી ચંબાની સીમામાં સડકમાર્ગથી દાખલ થવાય છે. ત્યાર બાદ વાયા ડેલહાઉસી થઇને તીસા હેડક્વાર્ટર પહોંચો. આની આગળ સાચ પાસની સફર શરૂ થશે. સાચ પાસ ડેલહાઉસીથી 175 કિમી દૂર છે. આ ઉપરાંત, ચંબા થઇને પહોંચી શકાય છે. સાચ પાસ ચંબા હેડક્વાર્ટરથી અંદાજે 127 કિમી દૂર છે. ચંબાથી હિમાચલ રોડવેઝની બસો, ખાનગી વાહનો કે ટેક્સીઓમાં સાચની સુંદર સફર કરી શકાય છે.
રોકાવા અને ખાવાની મુશ્કેલી
સાચ પાસ ટૂરિઝમની રીતે હજુ સુધી સંપૂર્ણ રીતે ડેવલપ નથી થયું. આ જ કારણે અહીં રોકાવા અને ખાવા-પીવાની થોડીક સમસ્યા છે. જો તમે સાચ જઇ રહ્યા છો તો પોતાની સાથે ખાવાનું લઇને જ જાઓ. સમયસર પાછા બૈરાગઢ આવી જાઓ અથવા તો પાંગીના મુખ્યાલય કિલાડની તરફ નીકળી જાઓ. ખાવાની વ્યવસ્થા સંતરૂડીથી આગળ નથી. સાચના સફર પર જનારા મોટાભાગના પર્યટક ડેલહાઉસીમાં જ રોકાય છે. ડેલહાઉસીમાં સારી હોટલોની સાથે-સાથે વિશ્રામ ગૃહ પણ છે. રોકવા માટે બૈરાગઢમાં વિશ્રામ ગૃહ છે. પાંગીમાં હોટલ તેમજ ગેસ્ટહાઉસ છે.