‘કારગિલ વૉર મેમોરિયલ’ એક એવું તીર્થસ્થળ જેને જોયા વગર કાશ્મીરની યાત્રા અધૂરી ગણાશે

0
245
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કારગિલના દ્રાસમાં સ્થિત કારગિલ વૉર મેમોરિયલમાં દ્ધાર પર કોતરેલા ‘જ્યારે તમે ઘરે જાઓ ત્યારે લોકોને જરૂર કહેજો કે તમારી આવતીકાલ માટે અમે અમારી આજને કુર્બાન કરી છે’ આ પંક્તિઓ કોઇપણ ભારતીયને ગૌરવાન્વિત થઇને શહીદ સૈનિકો પ્રત્યે શીશ નમાવવા માટે બાધ્ય કરી દે છે. આ તે જ જગ્યા છે, જ્યાં દેશ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા પોતાના 500થી વધુ જવાનોને દર વર્ષે 26 જુલાઇએ યાદ કરે છે, જેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

કારગિલનું એ ઐતિહાસિક યુદ્ધ

દ્રાસમાં જ્યારથી ‘કારગિલ વૉર મેમોરિયલ’ બન્યું છે ત્યારથી કારગિલ એક તીર્થસ્થળ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું. 8 મે, 1999માં જ તેની શરૂઆત થઇ ચુકી હતી, જ્યારે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકિયોને કારગિલના શિખરો પર જોવામાં આવ્યા હતા. પછીથી ભારતીય સેનાના વીરયોદ્ધાઓએ તેમને ભગાડીને આ યુદ્ધમાં દેશને ઐતિહાસિક જીત અપાવી હતી.

કારગિલ વૉર મેમોરિયલ

આ વૉર મેમોરિયલ ફક્ત દેશ જ નહીં પરંતુ દ્રાસના લોકો માટે પણ તે 500થી વધુ સૈનિકોને પોતાની યાદોમાં તાજા રાખવાનું એક સાધન છે. કારગિલ શહેરથી આ વૉર મેમોરિયલ અંદાજે 60 કિ.મી. દૂર છે. આ વૉર મેમોરિયલને 9, નવેમ્બર, 2004ના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. જ્યાં તિરંગો લહેરાય છે, બરોબર તેની પાછળ આપને એક તરફ ટાઇગર હિલ તો બીજી બાજુ તોલોલિંગ હિલ નજરે પડશે. અહીં ગુલાબી રંગની બિલ્ડિંગમાં દિલ્હીના ઇન્ડિયા ગેટની જેમ એક અમર જવાન જ્યોત પ્રજ્વલિત રહે છે. ત્યાં પાછળની તરફ એક મોટી દિવાલ આપને બધા શહીદોના નામ બતાવે છે. તેની બાજુમાં બધા શહીદોના નામની સાથે તેમની બટાલિયન લખેલા પથ્થર પણ લગાવેલા છે.

કેવી રીતે પહોંચશો ?

અત્યારે તો યાત્રા કરવી સંભવ નથી પરંતુ સામાન્ય રીતે અહીં રોડ દ્ધારા સરળતાથી પહોંચી શકાય છે.

એરપોર્ટ

કારગિલનું સૌથી નજીકનું એરપોર્ટ લેહ અને શ્રીનગર છે. આ એરપોર્ટ ભારતના ઘણાં શહેરો સાથે હવાઇમાર્ગે જોડાયેલું છે.

રેલવે માર્ગ

કારગિલ માટે નજીકનું રેલવે સ્ટેશન જમ્મૂતાવી છે, જે લગભગ 480 કિ.મી.ના અંતરે છે. આ રેલવે સ્ટેશન દેશના અનેક ભાગો સાથે જોડાયેલું છે.

રોડ માર્ગ

શ્રીનગર-લેહ રોડ દ્ધારા કારગિલ સુધી પહોંચી શકાય છે. આ રોડ જૂનના મધ્યથી નવેમ્બર સુધી ખુલ્લો રહે છે. જમ્મૂ તેમજ કાશ્મીર રાજ્ય પરિવહન નિગમની સામાન્ય તેમજ ડીલક્સ બસો નિયમિત રીતે આ માર્ગ પર ચાલે છે, જેના માધ્યમથી કારગિલ સુધી પહોંચી શકાય છે. આ ઉપરાંત, શ્રીનગર અને લેહથી ટેક્સી દ્ધારા કારગિલ પહોંચી શકાય છે.