સામાન્ય રીતે આજના એમબીએ જેવી ડિગ્રી મેળવીને યુવાનો કોઇ મોટી કંપનીમાં વ્હાઇટ કોલર જોબ કરવાનું પસંદ કરતાં હોય છે પરંતુ અમદાવાદના ચાર યુવાનોએ અલગ જ રસ્તો પસંદ કર્યો. એમબીએ થયેલા અમદાવાદના પ્રણવ ત્રિવેદી, મયંક ભટ્ટ, અક્ષય નેરકર, વિજય ગનવાણીએ નોકરીના બદલે અમદાવાદમાં એસજી હાઇવે પર શરૂ કરી છે ફૂડ ટ્રક જેનું નામ છે ફ્લિપસ્ટોન્સ
પ્રણવ અને તેના ક્લાસમેટ મયંક ભટ્ટને ટીવી પર આવતો પ્રોગ્રામ માસ્ટરશેફ જોઇને વિચાર આવતો કે આવી સુંદર ડિશ કેવી રીતે બનાવી શકાય. કુકિંગ તેમનો મુખ્ય વ્યવસાય નહોતો. દરમ્યાન તેમને અન્ય બે મિત્રો અક્ષય અને વિજયનો સાથ મળ્યો. તેઓને પણ કૂકિંગમાં રસ હતો. એમબીએના અભ્યાસ દરમ્યાન તેમને તેમના કોલેજના ફેકલ્ટીઝ સફળ એન્ટરપ્રેન્યોરના કેસ સ્ટડી પર ચર્ચા કરતાં અને કેવી રીતે તેઓ તેમના સાહસમાં સફળ બન્યા તે વિશે સમજાવતા. ત્યારે આ મિત્રોએ નક્કી કર્યું કે આપણે આ ઉંચાઇઓ પર પહોંચવુ છે.
એમબીએના છેલ્લા સેમિસ્ટરમાં આ યુવાનોએ કરિયર શેમાં બનાવવી તે અંગે વિચારવાનું શરૂ કર્યું. જો કે અંદરથી તો તેમનું મન એન્ટરપ્રેન્યોર બનવા તરફ વળતું હતું. તેઓ જોબ માર્કેટમાં કંઇક અલગ કરવા માંગતા હતા. તેમણે વિચાર્યું કે જો બિઝનેસમાં ઉંચાઇઓ સુધી પહોંચવુ હોય તો નાના પાયે શરૂઆત કરવી પડશે. સિમિત સાધનો સાથે તેઓ ફૂડ બિઝનેસમાં કંઇક કરવા માંગતા હતા. કારણ કે માસ્ટરશેફ જોઇને તેઓને ખાણી-પીણીના ધંધામાં જ રસ પડ્યો હતો.
અમેરિકન બ્રેકફાસ્ટ પર કર્યું રિસર્ચ
શરૂઆતમાં તેઓએ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બ્રેકફાસ્ટની ડિલિવરી અંગે વિચાર્યું પરંતુ તેમાં રિસોર્સિઝ અને મેનપાવરની કમી નડી. તેથી તેઓએ બ્રેકફાસ્ટ પર વધુ રિસર્ચ હાથ ધર્યું. આમ કરતાં કરતાં તેઓ પરંપરાગત અમેરિકન બ્રેકફાસ્ટ વિશે ખબર પડી કે જે ભારતમાં ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. તેઓએ મુંબઇ અને દિલ્હીમાં જઇને પેનકેક્સ, વોફેલ્સ અને બેગલ્સ જેવી વાનગીઓનો ટ્રાય કર્યો. અને પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદમાં તેમણે જોયું કે આ અમેરિકન ડિશિઝ અમદાવાદમાં અમુક જ વિસ્તારોમાં વેચાય છે. અને તેના ભાવ પણ ઘણાં ઉંચા છે.
એસ.જી.હાઇવપર છે ફૂડ ટ્રક
આ ચારયે યુવાનો આ ડિશિઝને અમદાવાદના ફૂડટ્રક પ્લેટફોર્મ પર શરૂ કરવા માંગતા હતા. જેમાં તેમને મદદ કરી 9834ના ફ્રૂટ ટ્રકના ફાઉન્ડર પાર્થે. તેઓએ એક રેડિમેડ ફૂડ ટ્રક ખરીદી અને તેને પોતાની મેળે પેઇન્ટ કરી. ત્યાર બાદ અમેરિકન બ્રેકફાસ્ટ ડિશિઝ બનાવવામાં પોતાની માતા અને યૂટ્યૂબની મદદ લીધી. આ કાર્ય તેમને એમબીએ પછી વ્હાઇટ કોલર જોબ કરતાં કંઇક અલગ હતું. એસ.જી.હાઇવે પર દિવ્યભાસ્કરની બાજુમાં ખાણી-પીણી માર્કેટમાં તેઓએ ફૂડ ટ્રક શરૂ કરી છે.
શરૂઆતમાં ચોમાસામાં તેઓને મુશ્કેલી પડી પરતુ નવરાત્રીથી તેમને ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. આજે આ યુવાનો ફૂડ ટ્રકમાં કુકિંગ, ક્લિનિંગ, એકાઉન્ટિંગ, હોસ્પિટાલિટી સહિત તમામ બાબતોની દેખરેખ જાતે રાખે છે દરેક ફૂડની આઇટમ પર તેનું નામ દર્શાવતો ફ્લેગ લગાવે છે જેથી લોકો તે વાનગીને ઓળખીને ઓર્ડર મંગાવે. હવે લોકોનો પણ પોઝિટિવ રિસ્પોન્સ તેમને મળવા લાગ્યો છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.