ગોવા ફરવા જતા ગુજરાતીઓ આટલું ધ્યાન રાખજો, નહીં તો છેતરાઇ જશો

0
1554
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગોવા તેના દરિયાકિનારાને કારણે જાણીતું છે. ગુજરાતીઓને દિવની જેમ ગોવા પણ અત્યંત પ્રિય છે જેના કારણે દર વર્ષે દિવાળી અને ઉનાળાની સીઝનમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ગોવા ફરવા જાય છે. જો તમે ગોવા ફરવા જાઓ તો મને થયેલા અનુભવો પરથી તમને હું કેટલીક ટિપ્સ આપીશ જેનાથી તમે ગોવામાં બિનજરૂરી ખર્ચથી તેમજ છેતરાવાથી બચી જશો.
પેકેજ ટૂરમાં ન જતા હોય પરંતુ પોતાની મેળે હોટલ બુકિંગ કરીને ગોવા જવું હોય તો આટલી સાવધાની રાખજો
– જો તમે હોટલ નોર્થ ગોવામાં એટલે કે કલંગુટ, બાગા કે કેન્ડોલિમ બીચ પર બુક કરાવી છે તો એરપોર્ટ પર ઉતરીને ટેક્સીથી કે ગોવાની લોકલ બસથી તમે તમારી હોટલ પર જઇ શકો છો.
– ગોવા ટૂરિઝમની બસ દિવસમાં માત્ર બે જ સમયે ઉપડે છે એક બપોરે 2.30 કલાકે અને બીજી સાંજે 5.30 કલાકે
– હવે આ સિવાયના સમયમાં જો તમે એરપોર્ટ પર લેન્ડ થાઓ તો રીક્ષા દ્ધારા પણજી બસ સ્ટેશનને જવું પડશે અને ત્યાંથી તમને લોકલ બસ નોર્થ ગોવા લઇ જશે. આ રીતે જવું ઘણું સસ્તું પડશે.બીજો ઉપાયો ટેક્સીનો છે. સરકાર માન્ય ટેક્સી બૂથ છે જ્યાંથી તમે એસી ટેક્સી 1271 રૂપિયામાં જ્યારે નોન એસી ટેક્સી 1200 રૂપિયામાં બુક કરાવી શકો છો. આ ટેક્સીમાં માત્ર ચાર લોકો જ બેસી શકશે મોટી ટેક્સી લેવી હોય તો ભાડું વધી જશે.
– ગોવામાં તમે ન ધારેલા ખર્ચ કરવા તૈયાર રહેજો કારણ કે અહીં તમને ડગલેને પગલે છેતરાતા હોવ એવા અનુભવો થશે
– અહીં પબ્લિક ટોઇલેટમાં યૂરિનના પણ 5 રૂપિયા ચાર્જ થાય છે. ભાડેથી એક્ટિવા લો તો 12 કલાકના 300થી 350 રૂપિયા આપવા પડે છે.
– વોટર સ્પોર્ટસ કરવું હોય તો બાગા કે કલંગુટ બીચ કરતાં સિન્ક્વેરિય અને કેન્ડોલિમ બીચ પર સસ્તું પડશે.
– ગુજરાતી ખાવાનું ક્યાંય સારૂ નહીં મળે. હાં, કલંગુટ કે બાગા બીચ નજીક વેજ રેસ્ટોરન્ટ છે તેમાં પંજાબી જમવાનું મળશે જેનો ટેસ્ટ સારો હોય છે. પરંતુ રિંગણના ઓળા કે બાજરાનો રોટલાની આશા રાખતા નહીં. વળી, હોટલમાં જમવામાં છેતરાયાની લાગણી જરૂરથી થશે. કેટલીક રેસ્ટોરન્ટ્સમાં તો છાશના ગ્લાસ પણ 50 રૂપિયામાં મળે છે.
– ગોવા જો ટેક્સીમાં ફરવું હોય તો એક દિવસના 1500થી 2000 રૂપિયા થશે. તેના કરતાં ગોવા ટૂરિઝમની હો-હો ગોવા બસ સર્વિસ બુક કરાવી લો જેમાં વ્યકિત દિઠ ટિકિટ 500 રૂપિયા છે. તેમાં 8 કલાકના સમયમાં ગોવાના જુદા જુદા બીચ, ચર્ચ, ફોર્ટ વગેરે બતાવવામાં આવે છે.
– ડોનાપોલા ફરવા જાઓ તો ધ્યાન રાખજો કે પીવાના પાણીની રૂ.18ની બોટલના 30 રૂપિયા પડાવી લેશે, ઉપરાંત અનેક જગ્યાએ ઠંડી બોટલના 30 પડાવી લે છે.
– ગોવા ફોર્ટમાં કંઇ જોવા જેવું નથી, ચર્ચ પણ એકાદવાર જોઇ શકાય બાકી ડોલ્ફીનનો આનંદ લઇ શકાય.
– પણજીમાં માંડોવી રિવર પર સાંજે બોટ ક્રૂઝ થાય છે જેની ટિકિટ વ્યકિત દિઠ 350 રૂપિયા છે.
– ખાનગી લકઝરી બસમાં ગોવાથી મુંબઇ જવું હોય તો ક્યારેય પાઓલો ટ્રાવેલ્સમાં જતા નહીં..છેતરાઇ જવાની શક્યતા છે. મુંબઇમાં સેન્ટ્રલની ટિકિટ હશે તો પણ દાદર ઉતારી દેશે
– દૂધસાગર વોટરફોલ જવું હોય તો પ્રાઇવેટ ટેક્સી કરવી પડે અથવા તો ટેમ્પો ટ્રાવેલરમાં જઇ શકાય. દૂધસાગર વોટરફોલ નોર્થ ગોવાથી લગભગ 80 કિલોમીટર દૂર કર્ણાટકની બોર્ડરે છે. પ્રાઇવેટ ટેક્સીના (4 સીટર) 3000થી 4500 રૂપિયા થશે. વોટરફોલ નજીક પ્રાઇવેટ પાર્કિંગમાં વાહનો પાર્ક કરી ફોરેસ્ટ ખાતાની જીપમાં જંગલમાં લઇ જશે. જેના અલગથી 400 રૂપિયા આપવા પડે છે. વોટરફોલમાં ન્હાવામાં સાવધાની રાખવી કારણ કે ચીકણાં પથરા છે અને પાણીમાં માછલીઓ પણ છે. વોટર ફોલની જગ્યા સાંકડી છે. ચેન્નઇ એક્સપ્રેસનું શૂટિંગ અહીં થયું હતું. વોટરફોલ ઉપરથી રેલવે પસાર થાય છે જેની પર પાણી પડે છે. પરંતુ ઉનાળામાં પાણીનો ફોર્સ એટલો જોવા મળતો નથી. આના કરતાં તો પંચમઢીના વોટર ફોલ ઘણાં સારા કહેવાય. ટૂંકમાં ખોટા પૈસા ન ખર્ચવા હોય તો વોટરફોલ જોવાનું ટાળવું જોઇએ
– વોટરફોલથી પાછા ફરતાં ટ્રાવેલ ઓપરેટર્સ સ્પાઇસ ગાર્ડનમાં લઇ જાય છે. જ્યાં તમને લંચ કરાવવામાં આવે છે. અહીં 400 રૂપિયામાં અનલિમિટેડ લંચ કરાવવામાં આવે છે. પરંતુ ગુજરાતીઓને અહીંનું ખાવાનું બિલકુલ નહીં ભાવે કારણ કે તે બિલકુલ સ્વાદહીન અને તદ્દન ફિક્કું હોય છે. ગાર્ડનમાં પણ કંઇ ખાસ જોવા જેવું નથી…જો તમારે ખરેખર દરેક પ્રકારના છોડ સાથેનો સારો ગાર્ડન જોવો હોય તો સાસણગીરમાં અનિલ ફાર્મ હાઉસ આંટો મારી આવજો.