મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બશના ગામમાં આવેલું છે ભીમકુંડ. ચારે બાજુ સખત પર્વતોની વચ્ચે આવેલો છે આ ભીમકુંડ. પ્રાચીનકાળથી જ આ જગ્યા સાધનાનું મુખ્ય કેન્દ્ર રહી છે. અહીં મોટા મોટા જ્ઞાનીઓ, તપસ્વીઓ અને ઋષિમુનિઓએ સાધના કરી છે. વર્તમાનમાં આ કુંડ ટૂરિસ્ટ અને રિસર્ચનું કેન્દ્ર બની ગયો છે. તો આવો સૌથી પહેલા તેના રહસ્ય અંગે જાણીએ.
આ કુંડનું સૌથી મોટું રહસ્ય એ છે કે કોઇ પણ આજુસુધી તેની ઊંડાઇ માપી શક્યું નથી. મોટાગજાના વૈજ્ઞાનિકો અને મરજીવાઓ તેની ઉંડાઇ માપવામાં અસમર્થ રહ્યા છે. આ પાણીના કુંડની ખ્યાતિ એટલી બધી ફેલાઇ કે ડિસ્કવરી ચેનલની એક ટીમ અહીં આવી પહોંચી. આ ટીમની સાથે આવેલા અનેક મરજીવાએ અહીં ડુબકી લગાવી પરંતુ તેમના હાથમાં કંઇ ન આવ્યું. તે આની ઊંડાઇનું સાચુ અનુમાન કરવામાં નિષ્ફળ રહી. તેમને કોઇ પુરાવો ન મળ્યો.
ઘણીવાર એવું થાય છે કે નદી અને તળાવોમાં ન્હાવા પડેલા ડૂબી જાય છે. ત્યારબાદ તેમનું મૃત શરીર પાણીમાં તરતું ઉપર આવી જાય છે. પરંતુ ભીમકુંડમાં એવું નથી. આ કુંડ એટલો વિચિત્ર છે કે જો કોઇ અહીં ડૂબી જાય તો તેનું મૃત શરીર ક્યારેય ઉપર નથી આવતું. તે અદ્શ્ય થઇ જાય છે. અથવા તો ક્યાંક ગુમ થઇ જાય છે.
જેમ કે અમે પહેલાં પણ જણાવ્યું કે આ કુંડ અનેક રહસ્યોની ખીણ છે. કોઇપણ મોટી કુદરતી આપત્તિઓ કે અજુગતુ થવાના સંકેત આ જળકુંડમાં સરળતાથી જોઇ શકાય છે. કહેવાય છે કે આ જળકુંડનું સ્તર અચાનકથી વધવા લાગે તો ભૂકંપ કે સુનામી આવવાના સંકેત તેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. સુનામી વખતે તેનું પાણી 500 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. અહીંના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તેમને કોઇ મુસીબત આવવાના અણસાર પહેલેથી જ ખબર પડી જાય છે.
કહેવાય છે કે જે જ્યાં રહેતો હોય તે જગ્યાની જાણકારી તેને સૌથી વધુ હોય છે. એટલે જ ભીમકુંડની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે રહસ્યમય ભીમકુંડનું પાણી ક્યારેય ઘટતું નથી. મોટી સંખ્યામાં વપરાશ થવા છતાં કુંડનું પાણી ક્યારેય ઘટ્યું નથી. કોઇ નથી જાણતું આ કુંડની ઊંડાઇ. કહેવાય છે કે આ કુંડની ઉંડાઇ જાણવા સમયાંતરે મરજીવાને અહીં મોકલવામાં આવે છે પરંતુ કંઇ મળતુ નથી. જ્યારે મરજીવા આવુ કરીને થાકી ગયા તો સત્તાવાળાઓએ ભીમકુંડના પાણીને પાણી ખેંચવાની મોટર વડે બહાર કાઢવાની યોજના બનાવી. આ કામ અનેક દિવસો સુધી ચાલુ રહ્યું પરંતુ કુંડના પાણીના લેવલમાં કોઇ ઘટાડો ન થયો. ઘણી શોધ પછી પણ તેની ઊંડાઇ વિશે કંઇ જાણવા ન મળ્યું. જો કે 80 ફૂટ ઊંડે ગયા પછી મરજીવાને પાણીનો ઝડપી પ્રવાહ મળ્યો. જેની લિંક કદાચ સમુદ્ર સાથે જોડાયેલી છે. તમને જણાવી દઇ એ કે આ જગ્યાના ભૂગર્ભમાં બે કુંડ છે જેમાં એકમાંથી પાણી નીકળે છે અને બીજામાં ભરાય છે. કદાચ એટલે જ પાણી ઓછું નથી થતું.
પૌરાણીક કથા અનુસાર આની વાર્તા ભીમ સાથે જોડાયેલી છે. કૌરવો સાથે જુગારમાં હાર્યા પછી પાંડવો અજ્ઞાતવાસ માટે નીકળી પડ્યા અને જંગલના રસ્તે જતા દ્રૌપદીને તરસ લાગી. પાંચે ભાઇઓએ મળી પાણીની શોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જંગલમાં પાણી કેવી રીતે મળે. વધુ ચાલ્યા પછી દ્રૌપદીની તરસ વધતી ગઇ. તરસના કારણે દ્રોપદી સહિત બધા પાંડવોની હાલત ખરાબ થઇ ગઇ. ઘણી મહેતન પછી પણ જ્યારે કોઇ ઉપાય ન સૂઝ્યો તો ભીમે ગુસ્સામાં ગદા ઉઠાવીને જમીન પર જોરથી પ્રહાર કર્યો. જેના પરિણામે જમીનમાંથી પાણી નીકળવા માંડયું. દ્રોપદી સહિત પાંડવોએ પોતાની તરસ છીપાવી. બસ ત્યારથી આ જગ્યાનું નામ ભીમ કુંડ પડી ગયું.
ભીમકુંડનું પાણી એટલું ચોખ્ખું છે કે જ્યારે સુરજના કિરણો તેની પર પડે છે ત્યારે તેના અનેક રૂપો જોવા મળે છે. પાણીના અનેક રંગો જોવા મળે છે. ભીમકુંડનું પાણી એટલું ચોખ્ખું અને પારદર્શી છે કે ઘણી ઉંડાઇ સુધી વસ્તુ સરળતાથી જોઇ શકાય છે. તેના પાણીની તુલના મિનરલ વોટર સાથે કરી શકાય છે. તો મિત્રો આ જ કારણ છે કે ભીમકુંડ એક રહસ્યમયી જગ્યા છે જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી. મિત્રો તમને આ રહસ્ય જાણ્યા પછી મનમાં કોઇ વિચાર આવે તો અમારી સાથે શેર કરી શકો છો તેને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો.
ભીમકુંડ કેવીરીતે જવાય
નજીકનું એરપોર્ટ ખજુરાહો છે. જે ભીમકુંડથી 92 કિલોમીટર દૂર છે. ખજૂરાહોથી ટેક્સી મળી જશે. નજીકનું રેલવે સ્ટેશન છત્તરપુર રેલવે સ્ટેશન છે જે ભીમકુંડથી 77 કિલોમીટર દૂર છે. રોડ દ્ધારા જવું હોય તો મધ્યપ્રદેશના કોઇપણ શહેરથી રોડ દ્ધારા જઇ શકાય છે.