ભારતમાં પાકિસ્તાન અવારનવાર પોતાના કાયરતાભર્યા કૃત્યોને અંજામ આપે છે. પાકિસ્તાન તો વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરે છે તો ક્યારેક ચીન પણ લદ્દાખમાં ઘૂસી જાય છે. તાજેતરમાં પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. પરંતુ, દેશમાં આવેલા કેટલાક મંદિરો અને દરગાહ એવા છે જેના પર કોઈ દુશ્મન ક્યારેય ફાયરિંગ નથી કરતા. આ ઉપરાંત, આ મંદિરના દેવી-દેવતાઓ સૈન્યના જવાનોની સતત સુરક્ષા કરે છે. જ્યારે દરગાહમાં દુઆ કરવામાં આવે છે
તનોટમાતા મંદિર
જેસલમેરના થાર રણપ્રદેશથી 120 કિમી દૂર તનોટમાતા મંદિર આવેલું છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સૈન્ય તનોટ માતા મંદિર પાર કરી શક્યા ન હતા. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને 3000 જેટલા બોંબ ફેંક્યા હતા પણ આ મંદિરની કાંકરી પણ ખરી નથી. આ ઉપરાંત આ મંદિરમાં 450 જેટલા બોંબ તો ફૂટ્યા જ નથી. જોકે, આ મંદિરથી થોડે દૂર હાલમાં એક વોર મ્યુઝિયમ પણ આવેલું છે. જ્યાં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધની કેટલીક ઝાંખી જોઈ શકાય છે.
માતા ઘંટીયાલી
માતા ઘંટીયાલીનું મંદિર રાજસ્થાનના જેસલમેર પાસેના તનોટ મંદિરથી 5 કિમી પહેલા આવેલું છે. એવું પણ માનવામાં આવે છે કે, 1965 વખતેના યુદ્ધમાં આ માતાએ ભારતીય સૈન્યને મદદ કરી હતી. આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, મંદિરની નજીક આવતા પાકિસ્તાની સૈનિકો એકબીજાને જ દુશમન સમજીને અંદરોઅંદર લડીને મૃત્યું પામ્યા હતા. જ્યારે કેટલાક સૈનિકોએ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેઓ અંધ થઈ ગયા હતા
બાબા દિલીપસિંહ
બાબા દિલીપસિંહની દરગાહ આશરે 350 વર્ષ જૂની છે. જેને બાબા ચમલિયાની દરગાહ પણ માનવામાં આવે છે. આ દરગાહ ભારત-પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય બોર્ડરથી આશરે 200 મીટર દૂર છે. આ દરગાહ પર પાકિસ્તાનીઓ ક્યારેય ફાયરિંગ નથી કરતા. બોર્ડરની પેલે પાર રહેતા લોકો અહીં દરગાહ પર ચાદર ચઢાવવા માટે આવે છે. પાકિસ્તાની સૈનિકો પણ માને છે કે, અહીં કોઈ આત્માની શક્તિ છે જે સૈન્યની સુરક્ષા કરે છે.
બાબા હરભજનસિંહનું બંકર
ભારત-ચીન બોર્ડર પાસે બાબા હરભજનસિંહનું બંકર છે. હરભજનસિંહ ભારતીય સૈનિક હતા. દુર્ઘટનાવશ તેમના શરીરનો અંત થઈ ગયો પણ દેશપ્રેમ આજે પણ યથાવત છે. એવું પણ માનવામાં આવે છે કે, બાબાએ ભલે શરીર છોડી દીધુ હોય પણ તેઓ આજે પણ બોર્ડર પર સૈનિકોની મદદ કરી રહ્યા છે. આવનારા જોખમથી સૈન્યની રક્ષા કરી રહ્યા છે.