દેવભૂમિ નામે પ્રસિદ્ધ એવા હરિદ્ધારના દર્શન કરવા એક દિવ્ય અનુભવ છે. હરિદ્ધાર ચાર ધામ યાત્રાનું પ્રવેશ દ્ધાર છે. અહીં શક્તિપીઠ પણ છે, હરિદ્ધારનું પ્રાચીન નામ માયાપુરી હતું. અહીં કુંભમેળાનું આયોજન થાય છે. આ પવિત્ર શહેર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની નગરી છે. હરિદ્ધાર વાસ્તવમાં તો આધુનિક અને પ્રાચીન મંદિર, એક-એકથી ચઢિયાતા ગંગા ઘાટ અને ભવ્ય આશ્રમોનું મિશ્રણ છે.
કેવી રીતે જશો
હરિદ્ધાર નવી દિલ્હીથી 214 કિલોમીટર છે. દેશના લગભગ દરેક શહેર સાથે તે રોડ દ્ધારા જોડાયેલું છે.
– જો તમે વિમાન દ્ધારા અહીં આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે જે અહીંથી 40 કિલોમીટર દૂર દહેરાદૂનમાં છે.
– હરિદ્ધાર દેશના દરેક મોટા શહેરો સાથે રેલવે માર્ગે જોડાયેલું છે. પરંતુ જો તમે નવી દિલ્હી આવો તો અહીંથી હરિદ્ધાર જવા માટે રેલવેની ફ્રિકવન્સી વધારે મળશે. અમદાવાદથી હરિદ્ધાર જવા માટે સીધી ટ્રેન વ્યવસ્થા ઉપલબ્ધ છે.
હરિદ્ધાર દર્શનમાં ક્યાં રોકાશો
રેલવે સ્ટેશનની નજીક અગણિત ધર્મશાળાઓ છે જ્યાં 500 રુપિયામાં રોકાઇ શકાય છે. અહીં રોકાવા માટે શાંતિકુંજ એક સારો વિકલ્પ છે. રેલવે સ્ટેશનની નજીક ગુજરાતી ધર્મશાળા, મુલ્તાન ભવન, કે.કે.રેણુકા ધર્મશાળા છે. ભૂપતવાલામાં પણ ઘણી ધર્મશાળા છે. નિષ્કામ સેવા ટ્રસ્ટ, તાયલ ધર્મશાળા, અગ્રવાલ ભવન વગેરે.
જોવાલાયક સ્થળો
હરી કી પૌડી
હરી કી પૌડી એ મુખ્ય ગંગા ઘાટ છે. તમે હરિદ્ધાર આવો તો સૌથી પહેલા તમારે અહીં આવીને સ્નાન કરવું જોઇએ. આ સ્થળને બ્રહ્મકુંડ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ સ્વયં અહીં સ્નાન કરવા આવતા હતા. નજીકમાં વિષ્ણુ ઘાટ પણ છે. આ સ્થળે સાંજે થતી ગંગા આરતીમાં અવશ્ય સામેલ થાઓ. નજીકમાં ભીમગોડા નામનું સ્થળ છે.
માં મનસા દેવી મંદિર
હરિદ્ધાર દર્શનનું મુખ્ય ધાર્મિક સ્થળ જે બિલવા પર્વત પર આવેલું છે. અહીં જવા માટે પગપાળા અને રોપ-વે એમ બે વિકલ્પ છે. પગપાળા જવા માટે પણ બે રસ્તા છે જેમાં એકમાં પગથિયા ઓછા છે પરંતુ અંતર વધારે છે. આ રસ્તે તમને પ્રસાદી, ખાણી-પીણીની દુકાન અને બેસવા માટે વ્યવસ્થા છે. પરંતુ વાંદરાઓથી થોડા સતર્ક રહેજો.
ચંડી દેવી મંદિર
આ મંદિર નીલ પર્વત પર છે અને અહીં પહોંચવા માટે તમારે મનસા દેવીની જેમ જ પગપાળા કે રોપ-વે દ્ધારા જવું પડશે. ચંડી દેવી મંદિર પરિસરમાં અન્નપૂર્ણા દેવી મંદિર, જય માં ભદ્ર કાળી મંદિર, કાળ ભૈરવ મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર તેમજ અન્ય નાના નાના મંદિર છે.
માં મનસા દેવી અને ચંડી દેવીની સંયુક્ત ટિકિટ 314 રુપિયા છે જેમાં તમે બન્ને દેવી-દેવતાના દર્શન કરી શકો છો. પરંતુ જો ફક્ત ચંડી દેવી સુધી રોપ-વેમાં જવું હોય તો ટિકિટ ફક્ત 193 રુપિયા છે.
માયા દેવી મંદિર
માયા દેવી મંદિર હરિદ્ધારનું અત્યંત પ્રાચીન મંદિર છે. આ એક શક્તિપીઠ પણ છે. આ સ્થળ રેલવે સ્ટેશનથી 2-3 કિલોમીટર દૂર છે. અહીં એવી માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. મંદિરના પ્રાંગણમાં ઘણાં શિવલિંગ છે, એક કન્હૈયાનો ઝુલો પણ છે, આ સિવાય એક મોટુ ત્રિશુલ પણ છે. ચંડી દેવી, મનસા દેવી અને માયા દેવી મળીને એક ત્રિભુજ રચાય છે.
સપ્તઋષિ આશ્રમ
આ પવિત્ર સ્થળ ભારતના સાત ઋષિઓ માટે જાણીતું છે. આ એક શાન્ત જગ્યા છે. એવી માન્યતા છે કે પ્રાચીન કાળમાં સાત ઋષિઓ ( ભારદ્ધાજ, વિશ્વામિત્ર, અત્રી, વશિષ્ઠ, ગૌતમ, જમદગ્નિ) આ જ જગ્યા પર પૂજા પાઠ કરતા હતા, સપ્ત ઋષિ આશ્રમ અંગે એક પૌરાણિક કથા છે કે સાતે ઋષિઓને પૂજા કરવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે અહીં માં ગંગાએ પોતાને સાત ધારાઓમાં વિભાજીત કરી હતી.
ભારત માતા મંદિર
ભારત માતા મંદિર દેશ સાથે તમારો પરિચય બહુ સારી રીતે કરાવે છે. આ છ ખંડોમાં બનેલું છે જેમાં તમે અલગ અલગ ખંડ પર અલગ અલગ મહાપુરુષો, ભગવાનના દર્શન કરી શકશો. કુલ મળીને ભારત માતા મંદિર ધર્મ, દેશ, સંસ્કૃતિ વગેરેનું મિશ્રણ છે.
માતા વૈષ્ણો દેવી ગુફા મંદિર (માતા લાલ દેવી મંદિર)
ભારત માતા મંદિરથી થોડાક જ અંતરે સ્થિત આ મંદિર જમ્મૂ કટરામાં સ્થિત વૈષ્ણો દેવી મંદિરની પ્રતિકૃતિ છે. અહીંની ગુફાઓ કુત્રિમ છે.
ભૂમા નિકેતન
માતા વૈષ્ણોદેવી ગુફા મંદિરથી થોડાક જ અંતરે તે રોડ પર એક ચોખ્ખુ ચણાંક ભવ્ય સ્થળ છે જેને લોકો ભૂમા નિકેતન કહે છે. હરિદ્ધાર દર્શનમાં આ સ્થળ પણ મહત્વનું છે. અહીં જો તમે મોબાઇલ લઇ જાઓ છો તો તમારે ગૌ સેવા માટે 31 રુપિયા આપવા પડશે. આ પવિત્ર સ્થળમાં 108 શાલિગ્રામ છે. અહીં એક ગુફા પણ છે તેમજ ભગવાન શ્રીકૃષ્ણની ઝાંકીઓ (ટેબ્લો) તમારુ મન મોહી લેશે.
તુલસી માનસ મંદિર (શ્રીરામ મંદિર)
ભૂમા નિકેતનથી જેવા તમે આગળ વધશો તમને એક ભવ્ય મંદિર જોવા મળશે જે ભગવાન શ્રીરામનું છે. મંદિરમાં ભવ્ય નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે હરિદ્ધાર દર્શનમાં રામ મંદિર એક વિશેષ મહત્વ ધરાવે છે.
શિવાનંદ ધામ
હવે જ્યારે તમે શ્રી રામ મંદિરથી થોડાક આગળ જશો તમને હરિદ્ધાર દર્શનનો આગળનો મુકામ શિવાનંદ ધામ જોવા મળશે. અન્ય ગુફાઓના બદલે શિવાનંદની ગુફામાં અંધારુ વધારે જોવા મળે છે. અહીં ટિકિટ પણ છે જે માત્ર 5 રુપિયાની છે. અહીંની ગુફામાં તમને બાણ ગંગા, બાબા બર્ફાની અમરનાથ, માતા અર્ધકુમારી યોની ગુફામાં ભોળાનાથ વગેરે પાવન દર્શન સ્થળ મળી જશે.
ઇન્ડિયા ટેમ્પલ
ભગવાન શ્રી સાકેત બિહારી ટ્રસ્ટ દ્ધારા સંચાલિત ઇન્ડિયા ટેમ્પલ પણ તેની ઝાંકીઓ માટે જાણીતું છે. અહીંની હરતી ફરતી ઝાંકીઓ તમારુ મન મોહી લેશે. ઇન્ડિયા ટેમ્પલમાં ભંડારા, ગૌ સેવા, વિજળી તેમજ સફાઇ, અન્ન ક્ષેત્રના નામે એક 3 રુપિયાની ટિકિટ પણ છે. આ મંદિર બિલકુલ શિવાનંદ ધામની નજીક છે.
પાવન ધામ /કાંચનું મંદિર /શીશ મહેલ
હરિદ્ધાર દર્શને આવ્યા છો અને પાવન ધામ ન જાઓ તો તે બરોબર નથી. સાચે જ આ એક અદ્ભુત સ્થળ છે. આ જગ્યા કાચ મંદિર અને શીશ મહેલ નામથી પણ ઓળખાય છે. આખુ મંદિર કાચથી બનેલી એક સ્વચ્છ જગ્યા છે.
હરિહર આશ્રમ ( પારદ શિવલિંગ અને રુદ્રાક્ષનું ઝાડ)
હરિહર આશ્રમ એક પવિત્ર અને શાંત જગ્યા છે અહીં તમે પારદેશ્વર મહાદેવ એટલે કે પારદ શિવલિંગના દર્શન કરી શકો છો આ ઉપરાંત આ આશ્રમ પરિસરમાં એક દિવ્ય રુદ્રાક્ષનું ઝાડ પણ છે જેની ચારે બાજુ જ્યોર્તિલિંગ બનેલા છે.
શાંતિકુંજ
પંડિત શ્રી રામ શર્માએ નાંખેલો પાયો છે ગાયત્રી પરિવાર, જેનું વડુ મથક શાંતિકુંજ એક ઘણાં મોટા વિસ્તારમાં ફેલાયેલુ છે અને આ સ્થળ ઋષિકેશ માર્ગ પર છે. શાંતિકુંજમાં લોકોને રહેવાની વ્યવસ્થા મફત છે. અહીં મુખ્ય આકર્ષણ અખંડ જ્યોતિ, ગાયત્રી માતા મંદિર છે.
હરિદ્ધારની ખરીદારી અને ખાણીપીણી
હરિદ્ધારના બજારો હરી કી પૌડીની આસપાસ છે. અહીં બડા બજાર, અપર રોડ બજાર, મોતી બજાર એક સારા માર્કેટ છે. જ્યાં તમે ખરીદી માટે જઇ શકો છો. કનખલ બજાર પણ છે. અહીંના બજારોમાં તમને શાલ, લાકડાથી બનેલા રમકડા, સજાવટનો સામાન, કપડા, સ્વેટર, પૂજાનો સામાન વગેરે યોગ્ય કિંમતે મળી જશે. જો કે તમારે ભાવતાલ જરુર કરવો.
વાત કરીએ ખાવાની તો અહીં પૂરી શાક જરુર ખાજો. હરી કી પૌડી પર મોહનજી પુરીવાળા, કે ચોટીવાલા રેસ્ટોરન્ટમાં આ સ્વાદ લઇ શકો છો. અહીં લસ્સી જરુર પીઓ અને પૌડી પર જ મથુરાની પ્રાચીન લાલ પેડેની દુકાન છે ત્યાંતી પેડા અવશ્ય લો, અપર રોડ પર કોતવાલીની સામે ભગવતી છોલે ભંડાર છે જ્યાંથી છોલે ભટૂરે ખાસ ચાખજો, જૈન ચાટ ભંડારની આયુર્વેદિક ચાટનો ટેસ્ટ પણ કરી શકો છો.