ટ્રેનની સવારી દરેક વ્યક્તિ માટે એક યાદગાર પ્રવાસ હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે લાંબા અંતરની મુસાફરી હોય ત્યારે દરેકે રેલવેના જુદા જુદા સ્ટેશન, ટ્રેક બદલતી ટ્રેન, સામેની આવતી ટ્રેનના હોર્ન અને વળાંક લેતી ટ્રેનનો નઝારો જોયો જ હશે. પરંતુ, ઘણા લોકો આરામદાયક સફર, થોડી થોડી વારે હલન-ચલન અને રિલેક્સ જર્ની માટે ટ્રેનની પસંદ કરતા હોય છે. આ સાથે ટ્રેનમાં મળતા વિવિધ વ્યંજનોનો સ્વાદ પણ માણતા હોય છે. આ સિવાય લાંબા અંતરની યાત્રામાં દરેકે જે તે સ્ટેશનના ફૂડ અને સોફ્ટ ડ્રિક્સની મજા માણી હશે. જાણીએ દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન જે પોતાના ફૂડને કારણે મુસાફરોમાં હોટ ફેવરીટ છે.
છોલે ભટુરે, જલંધર સ્ટેશન, પંજાબ
પંજાબના જલંધર સ્ટેશન પર ટ્રેન આવતા જ બારીમાંથી છોલે ભટુરે તૈયાર થતા હોય એવું દ્રશ્ય જોવા મળશે. જ્યારે પ્લેટફોર્મ પર ઊતરતા પૂરી અને શાકની સુગંઘ આવશે. ગરમા-ગરમ પૂરી અને ફ્રેશ ચણાનું શાક આ સ્ટેશન પર આવતા મોટા ભાગના મુસાફરો ખાય છે. પંજાબમાં અમૃતસર જતી વખતે જલંધર સ્ટેશનના છોલે ભટુરે માત્ર ચાખવા નહીં પણ શાંતિથી ટ્રેનમાં બેસીને જમવા જેવા છે. છોલે સાથે પૂરી, તળેલા મરચા, ડૂંગળી અને ટામેટાનું સલાડ અને એક તળેલા પાપડથી મુસાફરી દરમિયાન પેટનો પૌષ્ટિક આહાર સાથે સારો એવો ટેકો મળી રહે છે.
પઝંપોરી, અર્નાકુલમ સ્ટેશન, કેરળ
આપણે ત્યાં બનતા પફ-સમોસા અને ચટણી સાથેની કચોરીના સ્નેકની મજા દરેકે માણી હશે, પણ ટ્રેન જ્યારે અર્નાકુલમ જંક્શન પર આવે છે ત્યારે અહીં સ્ટેશન પર મળતા નાસ્તામાં પઝંપોરીનો ટેસ્ટ કરવા જેવો છે. આ કેરળની એક સ્નેક આઈટમ છે. જેમાં કેળાની તળીને તૈયાર કરવામાં આવે છે ત્યાર બાદ તેને ડીપ ફ્રીઝમાં રાખવામાં આવે છે. સ્થાનિકો આ ડીશને ચટણી અને ચા સાથે ખાય છે. એટલે આખી ડીશમાં ચા, ચટણી અને પઝંપોરી આવે છે જે એક વખત ટેસ્ટ કરવા જેવી છે. એક વખત ખાદ્યા બાદ વારંવાર ખાવાનું મન થશે કારણ કે આ ડીશ એકદમ ક્રિસ્પી, ક્રંચી અને ડિલિશિયસ છે.
મદુરવડે, મુદુર સ્ટેશન, કર્ણાટક
જો સાઉથમાં ફરવાનો પ્લાન હોય અને ટ્રેનથી કર્ણાટક તરફ જતા હો તો મદુર સ્ટેશન પર મદુરવડે ખાવાનું ચૂકતા નહીં. મદુર સ્ટેશન પર બેસ્ટ મદુરવડે મળે છે. જેને ચાની સાથે ખાવામાં આવે છે. સ્થાનિકો આ વડા સાથે દહી અથવા ચટણી ખાય છે. એટલે આખી ડીશમાં ચા અને મદુરવડે મળે છે.
દમ આલુ, ખડગપુર સ્ટેશન, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પરના દમ આલુ મિસ કરવા જેવા નથી. ગરમ અને થોડા સ્પાયસી બટેટા ભૂખ સંતોષે છે. અહીં આ ડીશની ગ્રેવી પણ ટેસ્ટ કરવા જેવી છે. મોટા ભાગે દમઆલુ સાથે ગ્રેવી મિક્સ કરીને જમવામાં આવે છે. આખી ડીશમાં દમઆલું અને દહીં આવે છે.
રબડી, આબુ રોડ સ્ટેશન, રાજસ્થાન
રાજસ્થાનનું આબુ રોડ સ્ટેશન રબડી માટે જાણીતું છે. આ એક પ્રકારની મીઠાઈ છે. જે દુધમાંથી બનાવવામાં આવે છે. કુલડીમાં આ રબડી પીવાની મજા છે. રબડીનો ટેસ્ટ માત્ર સ્વાદ જ નહીં પણ સફરમાં પણ મીઠાશ ઉમેરી દેશે. માત્ર આબુ રોડ સ્ટેશન જ નહીં પણ હરિદ્વાર સ્ટેશન ઉપર પણ રબડીની મજા માણી શકાય છે.
પૌવા, રતલામ સ્ટેશન, મધ્ય પ્રદેશ
રતલામનું નામ આવતા ફિલ્મ જબ વી મેટ યાદ આવે, રતલામ કી ગલીયો મે… મધ્ય પ્રદેશનું રતલામ સ્ટેશન પૌવા અને ભાતની ડીશ માટે જાણીતું છે. સવારના સમયે રતલામ સ્ટેશન પર જ્યારે ટ્રેન આવે ત્યારે મોટા ભાગના મુસાફરો આ નાસ્તો કરે છે. જોકે, પૌવા અને ભાતની ડીશને સવારનો બેસ્ટ નાસ્તો માનવામાં આવે છે. ખાસ કરીને પૌવામાં રતલામી સેવ નાંખીને પીરવામાં આવે છે. સાથે લીંબુ, મસાલા અને કાકડી, ટામેટા અને ડુંગળી-બુંદીનું સ્ટફ તો ખરા જ.
કોઝીકોદન હલવા, કાલિકટ સ્ટેશન, કેરળ
કોઝીકોદન હલવો કેરળના કાલિકટ સ્ટેશનની સ્પેશ્યલ મીઠાઈ છે. જે જુદા જુદા આકારમાં મળી રહે છે. આ મીઠાઈનો ટેસ્ટ કાયમ માટે કાલિકટ સ્ટેશનની યાદ અપાવે તેવો છે. આ મીઠાઈ સાથે ડ્રાયફ્રુટ પણ મિક્સ કરવામાં આવે છે. જોકે, કાલિકટ સિટીમાં પણ કોઝકોદન હલવો ખાવા મળશે પણ સૌથી બેસ્ટ ટેસ્ટ સ્ટેશન પર મળે છે. જેનો એક વખત સ્વાદ માણવા જેવો છે.
દાલવડા, વિજયવાડા સ્ટેશન, આંધ્ર પ્રદેશ
આધ્ર પ્રદેશના વિજયવાડા સ્ટેશન પર સ્પેશ્ય વાનગી મળે છે તે છે દાલવડા. સુકાયેલા પાનના વાટકામાં દાલવડા સ્ટેશનની બહાર નીકળતા મળી રહેશે. મીઠી અને તીખી ચટણી સાથે આ પકવાન મળી રહે છે.
વડાપાવ, કરજાટ સ્ટેશન, મહારાષ્ટ્ર
મુંબઈ અને પૂણેની વચ્ચે આવેલું કરજાટ સ્ટેશન તેના વડાપાવ માટે જાણીતું છે. આ ઉપરાંત અહીં સ્ટેશન પર બટેટા વડા પણ ખાવા જેવા છે. ખાસ કરીને જ્યારે સવારના સમયમાં મુંબઈ કે પૂણે જવાનું થાય ત્યારે આ ડીશનો ટેસ્ટ કરવા જેવો છે. બ્રેડ અને વડા ઉપરાંત તેમાં ચટણી, સેવ તથા અન્ય સ્નેકનો સ્ટફ ભરીને પીરસવામાં આવે છે. ખાસ કરીને પૂણે જતા લોકો આ સ્ટેશન પર વડાપાવ ખાવા માટે અચૂક ઊતરે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.