ભારતીયો ફરવા માટે ખૂબજ ઉત્સુક હોય છે. મોસમ અનુસાર દેશ-વિદેશમાં પ્રવાસ માટેનુ પ્લાનિંગ સતત ચાલતુ રહેતુ હોય છે. તમે ચોમાસાની મજા લેવા માટે કેરળના બદલે શ્રીલાંકા પણ જઈ શકો છો. તમને કેરળની સરખામણીએ શ્રીલંકા જવુ વધુ સસ્તુ પડશે કારણ કે ભારતીય રૂ.1 ની સામે શ્રીલંકામાં 2.30 રૂપિયા મળે છે. તેમજ શ્રીલંકાનો વિકાસ દરેક ઋતુ અનુસારના ડેસ્ટિનેશનના રૂપમાં થઈ રહ્યો છે. જેના કારણે ફરવા માટે ભારતીયોની પ્રથમ પસંદગી બની રહ્યુ છે શ્રીલંકા.
અહી તમને પ્રાકૃતિક સુંદરતા, સાંસ્કૃતિક અને ધાર્મિકતાથી લઈને નાઈટ લાઈફ સુધીનો આનંદ માણવા મળી શકે છે. તેમજ શ્રીલંકા પરિવાર સાથે પણ ફરવા માટે જઈ શકાય છે તેમજ ફ્રેન્ડ સાથે પણ ફરવા જઈ શકો છો. શ્રીલંકા ટૂરિઝમના સર્વે અનુસાર શ્રીલંકા જનાર ભારતીય પ્રવાસીઓ માટે પ્રવાસનો સંપૂર્ણ અનુભવ 69.1 ટકા માટે ઘણો સારો રહ્યો છે. જ્યારે 30.69 ટકા માટે આ સંતોષજનક રહ્યુ છે. જેથી કહી શકાય કે શ્રીલંકા ફરવા જતા ભારતીયોનો અનુભવ 100 ટકા સારો રહ્યો છે. સર્વેમાં દર્શાવ્યા અનુસાર 44.84 ટકા ભારતીય શ્રીલંકાથી સારી યાદો લઈને આવે છે અને તેઓ તેને સુંદર દેશ માને છે.
સર્વે જણાવે છે કે 63.7 ટકા ભારતીયો ફરવા માટે નિકળી જાય છે અને 49.82 ટકા ખરીદી કરે છે જ્યારે 32.74 ટકા લોકો કલાકો સ્વિમીંગ પુલમાં પસાર કરે છે. 37.01 ટકા ભારતીય પ્રવાસીઓ શ્રીલંકાના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરે છે જ્યારે વાઈલ્ડ લાઈફ જોવાનુ 21 ટકા લોકો પસંદ કરે છે. શ્રીલંકા ભારતીયોમાં હવે જૂના દરિયા કિનારા અને સાંસ્કૃતિક બાબતો ઉપરાંત ફિલ્મ ટુરિઝમ, ડેસ્ટિનેશન વેડિંગ, ધાર્મિક અને તિર્થયાત્રાના સ્થળ તરીકે ફેમસ થઈ રહ્યુ છે.