વિશ્વમાં ઇન્ડોનેશિયા એક માત્ર એવો દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રભાવ અન્ય દેશો કરતા વધારે જોવા મળે છે. અહીં હિંદુ પરંપરાઓને ખૂબ વધુ મહત્વ દેવામાં આવે છે. એટલે જ અહીં 20 હજારની કરંસી નોટ પર પણ ભગવાન ગણેશની તસવીર છે. આ સાથે જ અહીં ઘણા આકર્ષક હિંદુ દેવી-દિવતાના મંદિર છે. જેની ગણના દુનિયાના પ્રાચીનતમ અને શ્રેષ્ઠ મંદિરોમાં થાય છે.
તનહ લોટ મંદિર
ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર બાલી દ્વીપના દરિયામાં આવેલ એક મોટા પથ્થર પર બનેલું છે. આ મંદિર તેની આસપાસ ફેલાયેલ પ્રાકૃતિક સુંદરતાને લઈને ખુબ જ મનમોહક લાગે છે. કહેવામાં આવે છે કે તેનું નિર્માણ 16મી સદી દરમિયાન કરવામાં આવ્યું છે. પોતાની અલૌકિક સુંદરતાના કારણે આ મંદિર ઇન્ડોનેશિયાના મુખ્ય મુલાકાત લેવા જેવા સ્થળોમાં ટોપ લિસ્ટમાં સામેલ છે. આ સાથે જ તે સ્થાનિક હિંદુઓની આસ્થાનું પણ કેન્દ્ર છે.
પુરા તમન સરસ્વતી મંદિર
બાલીના ઉબુદ ખાતે આવેલ પુરા તમન સરસ્વતી મંદિર જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીને સમર્પિત છે. હિંદુ માન્યતા પ્રમાણે ઇન્ડોનેશિયામાં પણ દેવી સ્વરસ્વતીને જ્ઞાન અને સંગીતની દેવી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેના પ્રાંગણમાં આવેલ એક કુંડ છે. અહીં દૈનિક સંગીત કાર્યક્રમ થાય છે તો કુંડમાં ઉગેલા કમળના પુષ્પો તેની શોભામાં અભિવૃદ્ધી કરે છે.
પુરા બેસિકિહ મંદિર
બાલી દ્વીપના માઉંટ અગુંગ સ્થિત આ મંદિરની ગણતરી ઇન્ડોનેશિયાના સૌથી સુંદર મંદિરોમાં થાય છે. અહીં એવું લાગે છે કે જાણે સ્વયં પ્રકૃતિ જ આ મંદિરનો અભિષેક કરતી હોય. ખાસ વાત તો એ છે કે બાલીના આ સૌથી મોટા અને પવિત્ર મંદિરને 1995માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાળુ અને પર્યટક દર્શન કરવા આવે છે.
સિંઘસરી શિવ મંદિર
પૂર્વી જાવાના સિંગોસરીમા બનેલુ આ સિંઘસરી શિવ મંદિરની સ્થાપના 13મી સદીમાં થઈ છે. આ વિશાળ ભવ્ય મંદિરમાં ભગવાન શિવનું અલૌકિક સ્વરુપ જોવા મળે છે. જેના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભગવાન શિવને સમર્પિત તહેવાર વખતે આ મંદિરની શોભાને શબ્દોમાં વર્ણવવી અશક્ય બની જાય છે.
પ્રમ્બાનન મંદિર
જાવા ટાપૂના મધ્યમાં સ્થિત પ્રમ્બાનન મંદિર ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી છે. અહીં ખાસ વાત તો એ છે કે ત્રિદેવો સાથે તેમના વાહનો માટે પણ અલગ મંદિર બનાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂજાવિધિ કરવામાં આવે છે.