ભારતમાં બીચ પર જવાની વાત આવે એટલે સૌથી પહેલું યાદ આવે ગોવા. અને કેમ ન હોય ગોવાના સુંદર બીચ અને ત્યાંનું ભારતીય છતા યુરોપીયન ટચ ધરાવતું કલ્ચર ભારતભરમાંથી અનેક લોકોને પોતાના તરફ ખેંચે છે. એટલે જ બીચ વેકેશન માટે ભારતમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે.
ખૂબ જ સિક્રેટ અને સુંદ છે ગોવાનો આ બીચ
જો તમે પણ ગોવા ગયા હશો તો મોટાભાગના લોકોની જેમ નોર્થ ગોવાના બીચ પર જ ફર્યા હશો. પરંતુ આ બીચ તો લોકોથી ભર્યા હોય છે. જ્યારે બીચ પર તમારા સાથી સાથે શાંતિભર્યો આનંદ માણવો હોય તો ગોવાના કેટલાક એવા બીચની મુલાકાત લેવી પડશે જે સિક્રેટ છે પણ તેટલા જ સુંદર છે. આવા એક બીચ વિશે આજે જણાવીશું જેનું નામ છે બટરફ્લાય બીચ. આ અત્યંત શાંત અને સુંદર લોકેશનવાળો આ બીચ ફોરેનર્સમાં ખૂબ પોપ્યુલર છે.
લોકેશન
બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં છે. આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક છે. પરંતુ જો આટલું જાણીને જ બોસ તમે ગૂગલ મેપમાં આ બીચ શોધવા બેસી જશો તો થોડું અઘરું છે. કારણ કે ગૂગલ મેપ પાસે પણ બટરફ્લાય બીચ સુધી પહોંચાડતો પરફેક્ટ રૂટ નથી. હકીકતમાં બટરફ્લાય બીચ ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલો છે આથી અહીં કાર, બાઇક કે બસ દ્વારા પહોંચવું શક્ય નથી.
તો કેવી રીતે જવાય અહીં
જો બીચ સુધી જવા માટે બે રસ્તા છે. જેમાંથી પહેલા થોડા સહેલા રસ્તાની વાત કરીએ તો તમારે અહીં બોટથી જવું પડે. જે માટે પાલોલેમ બીચ કે અગોન્ડા બીચથી બોટ બાંધી શકો છો. સામાન્ય રીતે સીઝન પ્રમાણે 1000થી 1200 રૂપિયામાં બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો.
બીજો એડવેન્ચર રુટ
જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનું રહેશે. લેપર્ડ વેલીની દીવાલ આવ્યા બાદ તમારે ડાબી તરફ જંગલના રસ્તે વળી જવાનું રહેશે. થોડુ અંતર ગૂગલ મેપના સહારે પસાર કર્યા બાદ જંગલમાં નેવિગેશન અટકી જશે બસ એજ પોઇન્ટ પરથી ડાબી તરફ વળી જવાનું રહેશે. સામાન્ય રીતે અહીં જવા માટે Jeep થાર અથવા રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇકની જરૂર પડશે. જંગલના રસ્તે લોકોની અવરજવર અત્યંત ઓછી હોવાથી હંમેશા ગ્રુપ અથા જાણીતા લોકોની સાથે જ આ રસ્તે જાવ. નહીંતર ક્યાંક મજા સજા બની જશે.
ખાસ ટિપ
બટરફ્લાય બીચ અત્યંત દુર્ગમ વિસ્તારમાં છે, અહીં તમને પીવાનું પાણી સુદ્ધા નથી મળતું માટે જ્યારે પણ ગોવા પહોંચીને બટરફ્લાય બીચની મુલાકાતનો વિચાર કરો ત્યારે પોતાની સાથે પીવાનું પૂરતું પાણી અને કંઈક ખોરાક લેવાનું ભૂલતા નહીં. નાસ્તા-પાણીની યોગ્ય વ્યવસ્થા કરીને જ જજો.