5 મહિના બાદ ફરી શરૂ થઇ વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 5000 લોકો કરી શકશે દર્શન

0
227
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જમ્મુઃ વૈષ્ણો દેવીના ભક્તો માટે આનંદના સમાચાર છે. શ્રદ્ધાળુઓ માટે માતા વૈષ્ણો દેવીના દ્ધાર ફરી ખુલી ગયા છે. કોરોના વાયરસને કારણે લગભગ પાંચ મહિના પહેલા એટલે કે 18 માર્ચથી આ યાત્રા બંધ હતી. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર શરૂઆતમાં દરરોજ મહત્તમ 5000 તીર્થયાત્રીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાંથી 4500 યાત્રી જમ્મુ-કાશ્મીરના અને બાકીના 500 બહારના યાત્રી હશે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે મુજબ નિર્ણય લેવામાં આવશે.

હવે આવો જાણીએ યાત્રા માટેના નિયમો વિશે.

વૈષ્ણોદેવીમાં ભીડ ન થાય તે માટે માત્ર ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ લોકોને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. દરેક યાત્રીઓએ તેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત ચહેરા પર માસ્ક લગાવવું ફરજીયાત હશે. તો યાત્રાના પ્રવેશ પોઇન્ટ્સ પર યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. નક્કી કરેલા સમયમાં યાત્રા કરીને પરત ફરવાનું રહેશે તેમજ વૈષ્ણોદેવી ભવનમાં રોકાઇ શકાશે નહીં.

આ સિવાય રાતના દર્શન બંધ રહેશે અને સવારની આરતીમાં ભક્તો સામેલ થઇ શકશે નહીં. બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ કોવિડ 19 એન્ટિજન ટેસ્ટ કરાવવાનો રહેશે અને જેનો રિપોર્ટ નેગેટિવ હશે તેને જ યાત્રાની મંજૂરી મળશે. વૈષ્ણોદેવી યાત્રાના રસ્તે આ ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી પર્સન, પુજારી અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ સહિત એક સમયે ભવનની અંદર ફક્ત 600 લોકોના રહેવાની અનુમતિ હશે.

આ સાથે જ યાત્રા દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. સામાન્ય રીતે વૈષ્ણોદેવી યાત્રામાં જે લોકો બીમાર કે અશક્ત છે તેઓ ઘોડા કે ખચ્ચરમાં બેસીને યાત્રા કરતા હોય છે પરંતુ આ વખતે આવી અનુમતિ આપવામાં આવી નથી. માતા વૈષ્ણોદેવી ભવનમાં પ્રવેશ પહેલા સાબુથી હાથ અને પગ ધોવા પડશે અને દર્શન દરમિયાન મૂર્તિઓને અડી શકાશે નહીં. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે મા ભવનને સેનિટાઇઝ કરવામાં આવશે. ભવન પરિસરમાં દરેક જગ્યાએ સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

હવે જાણીએ કોને યાત્રાની મંજૂરી નહીં મળે

વૈષ્ણોદેવી શ્રાઇનબોર્ડના જણાવ્યા અનુસાર 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હાલત સામાન્ય થયા બાદ આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. કટરાથી ભવન જવા માટે બાણગંગા, અર્ધકુંવારી અને સાંઝીછતના પારંપરીક માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે અને ભવનથી આવવા માટે હિમકોટિ માર્ગ-તારાકોટ માર્ગનો ઉપયોગ કરવામાં આવશે.