રોમાન્સ અને રોમાંચને એકસાથે એન્જોય કરવા માટે ગોવા નહીં, ગોકર્ણ જવાનો બનાવો પ્લાન

0
459
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કર્ણાટકનું ગોકર્ણ અગાઉ જ્યાં પોતાના ધાર્મિક સ્થળો માટે જાણીતું હતું ત્યાં હવે તેની પ્રસિદ્ધિના માપદંડો બદલાઇ રહ્યા છે. હવે અહીંની ઓળખ અહીંના સમુદ્ર કિનારા બની રહ્યા છે. આ જ કારણ છે કે અહીં આવનારા પર્યટકોમાં શ્રદ્ધાળુઓની જગ્યાએ યાત્રીઓ, મોજ-મસ્તીના શોખીન લોકોની સંખ્યા વધી રહી છે. જ્યારે પણ અહીંના બીચનો ઉલ્લેખ થાય છે ત્યારે ગોવાનો ઉલ્લેખ અવશ્ય થાય છે. ગોવા તેના સમુદ્ર કિનારા માટે જાણીતું છે પરંતુ ત્યાંની ભીડને જે લોકો પસંદ નથી કરતા તે ગોકર્ણ ફરવા જાય છે.

ઘણા જ શાંત અને સુંદર છે આ બીચ

અહીંના કિનારા અપેક્ષાકૃત શાંત અને મનમોહક છે. કોઇ ખડક પર બેસીને ડુબતા સૂરજને નિહાળવાનું આનાથી વધારે સારુ ન હોઇ શકે. ગોકર્ણ, કુડલે, ઓમ, હાફ મૂન અને પેરાડાઇવ વગેરે પાંચ મુખ્ય બીચ છે જ્યાં જવાનું લોકો પસંદ કરે છે. અહીં બીચ સંબધી મોટાભાગની ગતિવિધિઓ આ બધાની આસપાસ ફરે છે. આ સમુદ્ર કિનારા પોતાના શાંત વતાવરણ, સોનેરી રેત, બીચ સેક અને સીફૂડ માટે જાણીતા છે.

બીચ (સમુદ્ર) ટ્રેકિંગનો રોમાંચ

ગોકર્ણમાં બીચ ટ્રેકિંગનો આનંદ અનોખો છે. અહીં પહાડ અને સમુદ્રનો અનોખો સંગમ છે. એટલે કે જેને પહાડ પસંદ હોય અને દરિયો પણ ગમતો હોય તેના માટે આ જગ્યા એકદમ અનુકૂળ છે. અહીં બીચ ટ્રેકિંગનો લગભગ દસ કિલોમીટર લાંબો ટ્રેક ઉંચાઇએથી સમુદ્રને જોવાનો અદ્ભુત અવસર આપે છે. આ એક સરળ ટ્રેક છે પરંતુ તેની સુંદરતા બેજોડ છે. એક દરિયા કિનારાથી બીજા દરિયા કિનારે પર્વતોના સહારે જતાં પ્રકૃતિના વિવિધ રૂપના સ્વાભાવિક દર્શન થાય છે.

દરિયા કિનારે યોગનો અનુભવ

ગોકર્ણમાં સમુદ્ર કિનારે યોગાભ્યાસનો અનોખો અનુભવ લઇ શકાય છે. કુડ્લે બીચ પર યોગ દ્ધારા આંતરિક શાંતિની શોધમાં આવેલા લોકોને જોઇ શકાય છે. ત્યાં ઘણાં પ્રશિક્ષક પણ આ કામ માટે હાજર રહે છે. સમુદ્રની લહેરોની સાથે ડૂબતા અને ઉગતા સૂર્યની કોમળ રોશનીમાં કરવામાં આવતા યોગાભ્યાસથી ભાગતા મનને કાબૂમાં રાખી શકાય છે.

કેવી રીતે જશો ગોકર્ણ

સૌથી નજીકનું એરપોર્ટ ગોવાનું ડેબોલિમ છે, જેનું અંતર લગભગ 140 કિલોમીટર છે. ત્યાંથી રોડ દ્ધારા જઇ શકાય છે. અંકોલા નામનું રેલવે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે જે દેશના લગભગ તમામ મોટા સ્થળો સાથે રેલવે માર્ગે જોડાયેલું છે. ત્યાંથી ગોકર્ણનું અંતર લગભગ 20 કિલોમીટર છે જેને રોડ દ્ધારા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. કર્ણાટક સરકાર દ્ધારા સંચાલિત બસો, ટેક્સી વગેરે સરળતાથી મળી રહે છે. અહીંનું હવામાન બારેમાસ લગભગ એકસરખું રહે છે પરંતુ ઓક્ટોબરથી માર્ચ મહિનો અહીં આવવા માટે સૌથી શ્રેષ્ઠ મહિનો છે.